મોરબી જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ દરમિયાન નદીના પ્રવાહમાં તણાઈ જવાથી મૃત્યુ પામેલા ત્રણ વ્યક્તિઓના પરિવારજનોને રાજ્ય સરકારની મૃત્યુ સહાય યોજના હેઠળ પ્રતિ પરિવાર રૂ. 4 લાખની આર્થિક સહાય આપવામાં આવી છે.
રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ માળિયા તાલુકાના ઘાંટીલા ગામે નદીના પાણીમાં તણાઈ જવાથી મૃત્યુ પામેલા ગેલાભાઈ નોંધાભાઈ હાડગરાના પરિવારજનો તેમજ વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામે ડેમી નદીના પાણીમાં તણાઈ જવાથી મૃત્યુ પામેલા સિરાજભાઈ ખમીશાભાઈ સંધી અને તેમના 7 વર્ષીય પુત્ર કાસિબ સિરાજભાઈ સંધીના પરિવારજનોને રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી. આ દરમિયાન રાજ્ય સરકાર તરફથી મંજૂર થયેલી સહાયના ચેક પણ પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, ડિઝાસ્ટર મામલતદાર અલ્પેશ પરમાર, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન મનીષ કાંજીયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ દિવંગતોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.