HomeGujaratજામનગરની શિવ ઓમ અને જર્મન કંપની વચ્ચે ઐતિહાસિક કરાર: 7,000 થી વધુ...

જામનગરની શિવ ઓમ અને જર્મન કંપની વચ્ચે ઐતિહાસિક કરાર: 7,000 થી વધુ લોકોને રોજગારી મળવાની શક્યતા

જામનગરની સયાજી હોટેલ ખાતે શિવ ઓમ અને જર્મનીની અગ્રણી કંપની હોરા ઇ-ટેક વચ્ચે સંયુક્ત સાહસ (જોઈન્ટ વેન્ચર)ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ભારત અને જર્મનીના ઉદ્યોગજગતના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં બંને કંપનીઓએ છેલ્લા 15 વર્ષથી ચાલતા વ્યવસાયિક સંબંધોને હવે સત્તાવાર ભાગીદારીમાં પરિવર્તિત કર્યા છે.

કાર્યક્રમમાં શિવ ઓમના સ્થાપક અને ચેરમેન સ્નેહલ ગોહિલ, હોરા ઇ-ટેકના ડિર્ક નિસ્ટ્રાટ અને બર્ન્ડ બર્ગશ્નાઇડર તેમજ પરાક્રમસિંહ જાડેજા અને યશ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ ભારત-જર્મની વચ્ચેના ઔદ્યોગિક સહયોગ અને અદ્યતન ટેક્નોલોજીના આદાન-પ્રદાનને આ ભાગીદારીની મુખ્ય વિશેષતા ગણાવી હતી.

સ્નેહલ ગોહિલે જણાવ્યું હતું કે, આ કરાર માત્ર બે કંપનીઓ વચ્ચેનો વ્યાપારિક કરાર નહીં પરંતુ ભારતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. હાલમાં કંપનીમાં આશરે 750 કર્મચારીઓ કાર્યરત છે, જ્યારે આ પ્રોજેક્ટ બાદ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 7 હજારથી વધુ લોકોને રોજગારી મળવાની સંભાવના છે. સાથે જ અત્યાર સુધી જર્મનીમાં બનતા કેટલાક ઉત્પાદનો હવે જામનગરમાં તૈયાર કરવામાં આવશે, જેના કારણે સ્થાનિક ઉત્પાદન વધશે અને આયાત પરની નિર્ભરતા ઘટશે.

તેમણે વધુમાં જણાવ્યું કે કંપની હાલમાં ઇલેક્ટ્રિકલ કંડક્ટર્સ, ઇલેક્ટ્રિક કન્ડ્યુટ્સ, ઇલેક્ટ્રિકલ ડિસ્ટ્રિબ્યુશન બોક્સ અને ઇલેક્ટ્રિકલ કનેક્શન ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. કંપનીનું હાલનું વાર્ષિક ટર્નઓવર આશરે ₹600 કરોડ છે, જેને આ જોઈન્ટ વેન્ચર બાદ આગામી દોઢ વર્ષમાં વધારીને ₹1,200 કરોડ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ભાગીદારીમાં જર્મન કંપની સાથે 45 ટકા હિસ્સેદારી નક્કી કરવામાં આવી છે.

જર્મન પ્રતિનિધિઓએ ભારતીય ઉત્પાદન ક્ષમતા અને શિવ ઓમ કંપનીના કાર્યની પ્રશંસા કરતાં જણાવ્યું કે જર્મન ટેક્નોલોજી અને ભારતીય કુશળતાના સમન્વયથી વૈશ્વિક ધોરણના ઉત્પાદનો તૈયાર થશે. ઉદ્યોગજગતના અગ્રણીઓએ આ ભાગીદારીને જામનગર, ગુજરાત અને ભારતના ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW