ડો. હેડગેવાર સ્મારક સમિતિ, રાજકોટ-મોરબી શાખા દ્વારા મોરબી શહેરના લાલબાગ ઉપનગર સ્થિત પરશુરામ વસાહતમાં કાર્યરત સાવિત્રીબાઈ ફૂલે સીવણ કેન્દ્ર ખાતે બુધવાર, તા. 15/07/2026ના રોજ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સીવણ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર 15 બહેનોને અભ્યાસ પૂર્ણ થયાના પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જિલ્લા સેવા પ્રમુખ ડો. જયદીપ કંઝારિયાએ સેવાભારતી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિવિધ સેવાકીય કાર્યો અંગે માહિતી આપી હતી. સાથે જ તેમણે આગામી સમયમાં બહેનોના જૂથો દ્વારા સ્વાવલંબનની યોજનાઓ તૈયાર કરી આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપી હતી.
કાર્યક્રમમાં મોરબી નગરના સહ સેવા પ્રમુખ લલિતભાઈ પાંડે, સેવા કાર્યકર્તા હરિભાઈ સરડવા અને જયદીપભાઈ ભગત ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સાવિત્રીબાઈ ફૂલે કેન્દ્રના સંચાલક લતાબેન પાટડીયા તથા માધવ બાળ સંસ્કાર કેન્દ્રના આશાબેન પાટડીયાએ પણ ઉપસ્થિતિ નોંધાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંત કબીર બાળ સંસ્કાર કેન્દ્રના સંચાલક જમનાબેન આર. મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું.

