હળવદ તાલુકાના રાણેકપર ગામમાં નિલકંઠ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં જાળી અને એંગલ ફિટ કરવાના મુદ્દે બે પક્ષ વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો હતો. અગાઉના મનદુઃખને લઈને એક જ જૂથના 12 શખ્સોએ ઘાતક હથિયારો સાથે હુમલો કરતાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં બે મહિલાઓના હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું તેમજ અન્ય કેટલાક લોકોને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ ફરિયાદ મુજબ, રાણેકપર ગામના ખેડૂત રતિલાલભાઈ પ્રભુભાઈ બાબરીયાએ હળવદ પોલીસ સ્ટેશનમાં 12 આરોપીઓ ચતુરભાઇ વાલજીભાઇ, નિકુલભાઇ મઘાભાઇ, ભાણજીભાઇ ચતુરભાઇ, અનિલભાઇ હેમુભાઇ, હેમુભાઇ વાલજીભાઇ, બાબુભાઇ વાલજીભાઇ, દાદુભાઇ બાબુભાઇ, શૈલેષભાઇ મઘાભાઇ, સુજલભાઇ શામજીભાઇ, શામજીભાઇ હેમુભાઇ, શિલ્પાબેન અનિલભાઇ અને મનિષાબેન શામજીભાઇ રહે બધા-રાણેકપર તા.હળવદવાળા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, નિલકંઠ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં જાળી અને એંગલ ફિટ કરવાની કામગીરી દરમિયાન જૂના અણબનાવના કારણે આરોપીઓ ધારીયા, લોખંડના પાઇપ, લાકડાના ધોકા અને લાકડીઓ જેવા હથિયારો સાથે એકત્રિત થઈ ધસી આવ્યા હતા.
આરોપીઓએ ફરિયાદી અને તેમના સાથીદારો પર આડેધડ હુમલો કર્યો હતો. હુમલામાં મુકેશભાઈ અને જયસુખભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઉપરાંત ચંદ્રિકાબેન અને જ્યોત્સનાબેનના ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે પ્રભુભાઈને પણ માથાના ભાગે ઈજા પહોંચી હતી. ફરિયાદી સહિત અન્ય લોકોને પણ નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

