ગુજરાત સરકારના વિચરતી-વિમુક્ત જાતિના પરિવારોના પુનર્વસન અને કલ્યાણના સેવાભાવી અભિગમને ચરિતાર્થ કરતા મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે (IAS) દ્વારા મોરબી તાલુકાના મકનસર ગામે સરકારી ખરાબાની જમીનમાંથી વિચરતી-વિમુક્ત જાતિના કુલ 54 જરૂરિયાતમંદ લાભાર્થીઓને રહેણાંક હેતુ માટે વિનામૂલ્યે પ્લોટ ફાળવીને સ્થળ પર જ તેનો પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવ્યો હતો.
આ અભિગમ અંતર્ગત મકનસર ગામની સરકારી ખરાબાની સર્વે નં. 133/1અને 132 પૈકીની કુલ 15,00 ચોરસ મીટર જમીનમાંથી પ્રત્યેક લાભાર્થી પરિવારને 100 ચોરસ વારનો રહેણાંક પ્લોટ ફાળવવામાં આવ્યો હતો. પ્લોટનો કબજો સોંપવાના આ અવસરે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વંચિત, શ્રમિક અને પછાત વર્ગોના સર્વાંગી ઉત્કર્ષ માટે કટિબદ્ધ છે. વિચરતી જાતિના પરિવારોને સ્થાયી આવાસ પૂરા પાડવાની આ નવતર પહેલ તેમના સામાજિક-આર્થિક સ્તરમાં ગુણાત્મક પરિવર્તન લાવશે અને સ્થિરતા પ્રદાન કરશે. આ કલ્યાણકારી યોજનાનો લાભ મેળવનારા મુખ્ય લાભાર્થીઓમાં કરશનનાથ રાઠોડ, અર્જુનનાથ રાઠોડ, રમેશનાથ પરમાર, વેલનાથ પરમાર, ધીરુનાથ રાઠોડ, સિકંદરનાથ ભાટી, મુન્નાનાથ ભાટી અને ભુપતનાથ ભાટી સહિતના ૫૪ પરિવારોનો સમાવેશ થાય છે. વર્ષો જૂનું ઘરનું ઘર બનાવવાનું સપનું સાકાર થતાં તમામ લાભાર્થીઓએ રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
આગામી સમયમાં આ વસાહતમાં આવાસ નિર્માણ અને પાયાની આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પણ વહીવટી તંત્ર દ્વારા જરૂરી માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવશે. આ પ્રસંગે કલેક્ટરની સાથે મોરબીના પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત, મોરબી ગ્રામ્ય મામલતદાર સાગર ત્રાંબડીયા, તાલુકા વિકાસ અધિકારી જે.પી. વણપરીયા, સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

