મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મનપાની ફૂડ શાખાની ટીમ દ્વારા રવાપર રોડ પર આવેલી ખાણી-પીણી અને ફરસાણની પેઢીઓમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતાં જ વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર સહિતની ટીમ દ્વારા રવાપર રોડ પર આવેલી અંદાજે 20 જેટલી ફરસાણની પેઢીઓમાં તેલના નમૂનાઓની સ્થળ પર જ તપાસ કરવામાં આવી હતી. આ તપાસ માટે આધુનિક TPC (Total Polar Compounds) MACHINEનો ઉપયોગ કરાયો હતો. ચકાસણી દરમિયાન જે પેઢીઓમાં તેલના નમૂનામાં 25 TPC કાઉન્ટથી વધુ સ્તર જોવા મળ્યું હતું, તે તમામ અખાદ્ય અને હાનિકારક તેલનો જથ્થો તંત્ર દ્વારા સ્થળ પર જ ઢોળી દઈને નાશ કરવામાં આવ્યો હતો.
ફરસાણ અને નાસ્તાના પેકિંગમાં છાપેલા ન્યૂઝ પેપર (છાપા)નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. ફૂડ શાખાએ જુદી-જુદી પેઢીઓમાંથી આશરે 5 કિલો જેટલો છાપેલા ન્યૂઝ પેપરનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કર્યો હતો. આ ઉપરાંત લાઈટ નાસ્તા હાઉસમાંથી આશરે 2 કિલો જેટલી અખાદ્ય અને વાસી ચટણીનો નાશ કરાયો હતો અને નેપોપ ચાઈનીઝમાંથી આશરે 5 કિલો અખાદ્ય ચટણી તેમજ આરોગ્ય માટે નુકસાનકારક એવા પ્રતિબંધિત ફૂડ કલરના જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

