HomeGujaratગીર સોમનાથના મંડોરમાં ગેરકાયદે સિહ દર્શન બદલ મંત્રી મોરબી શહેર...

ગીર સોમનાથના મંડોરમાં ગેરકાયદે સિહ દર્શન બદલ મંત્રી મોરબી શહેર ભાજપ લખેલી કાર વન વિભાગે જપ્ત કરી

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામની સીમમાં વન વિભાગે મોડી રાત્રે દરોડો પાડી ગેરકાયદે સિંહ દર્શન (લાયન શો)ના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. વન વિભાગની ટીમ ત્રાટકતા જ આરોપીઓ અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. જોકે, વનકર્મીઓએ સ્થળ પરથી એક મોપેડ અને નંબર પ્લેટ વગરની શંકાસ્પદ મહિન્દ્રા થાર કાર કબજે કરી છે.

સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે જપ્ત કરાયેલી થાર કારના આગળના કાચ પર ‘મંત્રી, મોરબી શહેર ભાજપ’ લખેલું બોર્ડ મારેલું છે. પ્રતિબંધિત અને સંવેદનશીલ ગીર સરહદે મોડી રાત્રે રાજકીય હોદ્દો ધરાવતી અને કાયદાને ઘોળીને પી જઈ નિયમ મુજબની નંબર પ્લેટ વગર ફરતી આ વૈભવી કાર મળી આવતા વન્યજીવ પ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે અને સમગ્ર પંથકમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.

સ્થાનિક ગ્રામજનોના આક્ષેપ મુજબ, આ વીઆઈપી થાર કારમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે વન વિભાગ કે પોલીસે આ અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. વન્યજીવ સંરક્ષણ વિસ્તારમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનના બેવડા કૃત્યની આશંકાએ તંત્ર સામે પણ સવાલો ખડા કર્યા છે. વન વિભાગે ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

વન વિભાગે બંને વાહનો ચેસિસ નંબર અને એન્જિન નંબરના આધારે આરટીઓ (RTO)ની મદદથી માલિકની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. તપાસનો મુખ્ય વિષય એ છે કે આ બોર્ડ માત્ર વટ પાડવા માટે નકલી લગાવવામાં આવ્યું હતું કે પછી ખરેખર મોરબી ભાજપના કોઈ પદાધિકારી આ ગેરકાયદે સિંહ દર્શનના ગુનામાં સીધા સંકળાયેલા છે. આ તપાસના તાર આગામી દિવસોમાં રાજ્યના રાજકીય વર્તુળોમાં મોટો ભૂકંપ લાવી શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,410SubscribersSubscribe

TRENDING NOW