બોર્ડર રેન્જ આઈ.જી. અને મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા આપેલી કડક સૂચના અન્વયે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે એક મોટી સફળતા મેળવી છે. તાલુકા વિસ્તારના એક કારખાનામાંથી થયેલી કોપર વાયરની વણશોધાયેલી (અનડિટેક્ટ) ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી પોલીસે ૩ આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.
રબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના સંદર્ભે સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમ તપાસમાં હતી. આ દરમિયાન હ્યુમન સોર્સ અને ટેકનિકલ માધ્યમોથી ચોક્કસ બાતમી મળી હતી કે ચોરી કરનાર ઇસમો મોરબી-જેતપર રોડ પર સાપર ગામના પાટિયા પાસે, ગાળા તરફ જવાના રસ્તે આવેલા એક ભંગારના ડેલા પાસે હાજર છે. પોલીસે તુરંત જ દરોડો પાડીને ચોરીના મુદ્દામાલ સાથે વિકાસભાઇ અનિલભાઇ લોરીયા (રહે. હાલ માળીયા ફાટક પાસે, કાંતીનગર, મોરબી),સાગરભાઇ મેરામભાઇ સોલંકી (રહે. મેધપર, તા. માળીયા મિયાણા, જી. મોરબી ઈશ્વરભાઈ ગોપીલાલભાઈ ગુર્જર (રહે. સાપર ગામ, મોરબી; મૂળ રહે. રાજસ્થાન) વાળાને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલો 81 કિલોગ્રામ શુધ્ધ કોપર વાયર રૂ. ૯૭,૨૦૦ અને ગુનામાં વપરાયેલ GJ-36-T-7013 નંબરની બોલેરો વાહન મળીને કુલ રૂ. ૧,૯૭,૨૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

