કચ્છથી દ્વારકા દર્શન કરવા જઈ રહેલા આદિપુરના એક પરિવારને મોરબીના માળીયા હાઈવે પર કાળમુખો અકસ્માત નડ્યો છે. માળીયા તરફથી પીપળીયા ચાર રસ્તા તરફ જવાના માર્ગ પર, મોટી બરાર ગામના પાટીયા નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા જોરદાર અકસ્માતમાં ૨૧ વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે માસૂમ બાળકી અને વયોવૃદ્ધ મહિલા સહિત પરિવારના અન્ય ચાર સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, કચ્છ જિલ્લાના આદિપુર ખાતે બુધ્ધનગરમાં રહેતો પરિવાર કાર લઈને દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યો હતો. આ દરમિયાન બરાર ગામના પાટીયા નજીક તેમની કાર અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારમાં સવાર એકતાબેન અરવિંદભાઈ કટારીયા (ઉ.વ. ૨૧)ને ગંભીર ઈજાઓ પહોંચતા તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. જ્યારે કાર ચલાવી રહેલા પ્રિન્સ ધર્મેન્દ્રભાઈ વઘમસી (ઉ.વ. ૨૮), તેમના પત્ની અંજલીબેન પ્રિન્સભાઈ વઘમસી (ઉ.વ. ૨૭), તેમની ત્રણ વર્ષની દીકરી આધ્યાબેન વઘમસી તથા દાદી જશોદાબેન મનજીભાઈ વઘમસી (ઉ.વ. ૭૫)ને નાની-મોટી અને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ પ્રશાસન તરફથી મળતી માહિતીના આધારે પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી, અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

