ટંકારાના મેઘપર ઝાલા ગામે રહેતા અને ખેતી કરતા દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાએ આરોપી મહેન્દ્રસિંહ મહાવીરસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, બંને રહેવાસી મેઘપર ઝાલા ગામ, વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, દિગ્વિજયસિંહ પોતાની ભોગવટાની જમીનમાં તેમના પુત્ર હર્ષવર્ધનસિંહ (ઉંમર 22 વર્ષ) અને ભાઈ જયપાલસિંહ (ઉંમર 40 વર્ષ) સાથે જમીનની માપણી કરાવી શેઢાની સીમા નિશ્ચિત કરવા માટે ખૂંટા નાખી રહ્યા હતા. આ જમીનની બાજુમાં આરોપીઓના પિતા મહેન્દ્રસિંહ શિવુભા ઝાલાની વાડી આવેલી છે.
જમીનની માપણી અને ખૂંટા મારવાની કામગીરીથી નારાજ થયેલા આરોપીઓ મહેન્દ્રસિંહ અને તેજપાલસિંહ મોટરસાયકલ પર સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ બંનેએ હર્ષવર્ધનસિંહ અને જયપાલસિંહ પર છરી વડે હુમલો કરી શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હુમલામાં બંનેના મોત નીપજ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ તથા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

