રાજ્ય સરકારના “સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત” અભિયાનને સફળ બનાવવાના ભાગરૂપે, મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત આજે મોરબીના નગરદરવાજા ચોક અને શાકમાર્કેટ વિસ્તારમાં પ્લાસ્ટિક કલેક્શન માટે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય હેતુ શહેરમાંથી પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવાનો છે. આ સફાઈ અભિયાનમાં મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ઉત્તમ સુરાણી, ડેપ્યુટી કમિશનર સોની, સામાજિક કાર્યકરો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ જોડાયા હતા.નગરદરવાજા ચોકથી શાકમાર્કેટ સુધીના વિસ્તારમાં પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્રિત કરીને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મેયર ઉત્તમ સુરાણીએ સ્થળ પર જઈને સફાઈ કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું.
આ ઉપરાંત વોર્ડ નંબર 9 વિસ્તારના હિરાસર રોડ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.આ અભિયાનમાં વોર્ડ નંબર 9ના કોર્પોરેટરો નવનીતભાઈ ભુદરભાઈ કુંડારિયા, હિરેનભાઈ પરબતભાઈ કરોતરા, ભગવતીબેન મહેશભાઈ કુંડારિયા અને નૂતનબેન હરસુખભાઈ વિડજા સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા. તેમણે સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્તિ અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો.સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત મોરબીના નિર્માણ માટે મહાનગરપાલિકાની ટીમ, સફાઈ કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક સહભાગી બની આ અભિયાનને સફળ બનાવ્યું હતું

