વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામમાં રહેતા અને લેબરના કોન્ટ્રાક્ટનું કામ કરતા પ્રવિણભાઈ હરખાભાઈ ઉકેડિયા (ઉ.વ. 26) દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકે ત્રણ વ્યક્તિઓ સામે વ્યાજખોરી અને ધમકી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં આરોપી તરીકે અજયભાઈ રમેશભાઈ અબાસણીયા, બિજલભાઈ ઉર્ફે ભોજાભાઈ બેચરભાઈ ગીંગોરા અને હિતેશભાઈ મગનભાઈ પટેલના નામો દર્શાવવામાં આવ્યા છે.
ફરિયાદ મુજબ, પ્રવિણભાઈને મજૂરોના વેતન તેમજ તેમના ભાઈની સારવાર માટે નાણાંની જરૂરિયાત ઉભી થતાં તેમણે અજયભાઈ પાસેથી અલગ-અલગ સમયે કુલ રૂ. 3 લાખ ઉંચા વ્યાજદરે ઉધાર લીધા હતા. બાદમાં વ્યાજ અને પેનલ્ટી ઉમેરીને રૂ. 8 લાખની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદીએ મૂળ રકમ સ્વીકારી લેવા વિનંતી કરતાં આરોપીએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ડરનો માહોલ ઉભો કરી રૂ. 5 લાખ પડાવી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરાંત ફરિયાદીના જણાવ્યા અનુસાર તેઓ રૂ. 30 લાખ જેટલી વ્યાજની રકમ અને મૂળ રકમ ચૂકવી ચૂક્યા હોવા છતાં વધુ રૂ. 3 લાખની માંગણી કરી ઘર વેચીને નાણાં ચૂકવવા માટે દબાણ કરવામાં આવતું હતું.
આ ઉપરાંત બિજલભાઈ પાસેથી રૂ. 1.50 લાખ વ્યાજે લીધા હતા, જેના બદલામાં ફરિયાદી દ્વારા આશરે રૂ. 5 લાખ જેટલી રકમ ચૂકવવામાં આવી હોવા છતાં વધુ બાકી રકમ દર્શાવી ધમકીઓ આપવામાં આવતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપીએ ફરિયાદી તથા તેમના બાળકોને મારી નાખવાની ધમકી આપી, ડરાવી-ધમકાવી હપ્તેથી લેવાયેલ મોટરસાયકલ પોતાના કબજામાં લઈ લીધી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, હિતેશભાઈએ પત્નીના બેંકમાં ગીરવે મુકાયેલા અંદાજે સાડા ત્રણ તોલા સોનાના દાગીના છોડાવવા રૂ. 3.56 લાખની મદદ કરી હતી. બાદમાં આ રકમ પર વ્યાજની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી દાગીના પોતાના કબજામાં લઈ લીધા હતા અને કુલ રૂ. 8 લાખની માંગણી કરવામાં આવતી હોવાનું જણાવાયું છે.
ફરિયાદીના આક્ષેપ મુજબ ત્રણેય આરોપીઓએ ધિરાણનો કોઈ કાયદેસર લાઈસન્સ ન હોવા છતાં નાણાં ધીર્યા હતા અને ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજની વસૂલાત કરી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

