HomeGujaratમોરબીના રફાળિયા સ્થિત વિશાળ ‘વન કવચ’ (નમો વન)ની વન અને પર્યાવરણ રાજ્યમંત્રી...

મોરબીના રફાળિયા સ્થિત વિશાળ ‘વન કવચ’ (નમો વન)ની વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી

ઉદ્યોગનગરી મોરબીને ‘વૃક્ષ નગરી’ બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે પર્યાવરણ જતનના ઉદ્દેશ્યથી મોરબી પાંજરાપોળ ખાતે નિર્મિત અને વિશાળ એવા 10 લાખ વૃક્ષોના ‘વન કવચ’ (નમો વન) ની ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ આ વિશાળ વનકવચની પ્રગતિ અને હરિયાળીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી પર્યાવરણના આ ભગીરથ કાર્ય પ્રત્યે હર્ષ વ્યક્ત કર્યો હતો.

રફાળિયા પાસે મચ્છુ ડેમ-2 નજીક સ્થિત આ ‘નમો વન’ ની મુલાકાત દરમિયાન મંત્રીએ ગ્રીન કવરને બારીકાઈથી નિહાળી વન વિભાગ, વર્ષો જૂની શ્રી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ અને સદભાવના ટ્રસ્ટના ત્રિવેણી સંગમ તેમજ જનભાગીદારી (લોકભાગીદારી)ના અદભુત મોડેલની સરાહના કરી હતી.

મંત્રીએ જણાવ્યું હતું કે, આ વન કવચ મોરબીના નાગરિકો માટે એક વિશાળ ‘ઓક્સિજન હબ’ અને પર્યટનનું મુખ્ય આકર્ષણ બની રહ્યું છે. તેમણે આ વન કવચમાં ફોરેસ્ટના વોચ ટાવર ઉભા કરવાનું સૂચન કરી તમામ વૃક્ષોનું જતન કરવા પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે અધિકારીઓ અને પદાધિકારીઓને જિલ્લાના તમામ તાલુકાઓમાં 25 હેક્ટર વિસ્તારમાં ‘મા વન કવચ’ બનાવવા માટેની કામગીરી હાથ ધરવા પ્રેરણ પૂરી પાડી હતી. મંત્રીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, વિવિધ પ્રજાતિઓનું આ સઘન વન ભવિષ્યમાં ‘ઇકો-ટૂરિઝમ’ ના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવશે અને ક્લાયમેટ ચેન્જના વર્તમાન પડકારો સામે લડવામાં પાયારૂપ સાબિત થશે.

શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વન અને પર્યાવરણ મંત્રીને વન કવચના આયોજન, ડ્રિપ ઇરિગેશનના નેટવર્ક અને આગામી સમયના ડેવલપમેન્ટ પ્લાન અંગે વિસ્તૃત વિગતોથી માહિતગાર કર્યા હતા. વધુમાં મંત્રીએ તમામ ગામોમાં નાના નાના વન કવચ બનાવવા ઉપસ્થિતોને સૂચન કર્યું હતું. આ વન કવચની વિશેષતા અંગે વાત કરીએ તો, તે કુલ 40 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે, જેમાં 150 થી વધુ વિવિધ પ્રજાતિઓના વૃક્ષોનું વાવેતર કરીને મિયાવાકી પદ્ધતિથી ગાઢ જંગલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. વૃક્ષોના વૈજ્ઞાનિક ઢબે જતન અને સંવર્ધન માટે સમગ્ર વિસ્તારમાં અદ્યતન ડ્રિપ ઇરિગેશન (ટપક સિંચાઈ પદ્ધતિ) તેમજ ફેન્સિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રકૃતિપ્રેમીઓ અને મુલાકાતીઓ માટે વન કુટીર જેવી નયનરમ્ય સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે.

આ મુલાકાત વેળાએ ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, નાયબ વન સંરક્ષક (સામાજિક વનીકરણ) યુવરાજસિંહ ઝાલા, મોરબી નાયબ વન સંરક્ષક મોરબી તુષાર પટેલ, સહાયક વન સંરક્ષક મીના, મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ અને સદભાવના ટ્રસ્ટના અગ્રણી હોદ્દેદારો તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW