વાંકાનેરના આંબેડકરનગર વિસ્તારમાં જૂની અદાવતને પગલે હિંસક હુમલાની ઘટના સામે આવી છે. દસ વર્ષ જૂના મનદુઃખનો ખાર રાખીને નગરપાલિકાના હેડ ક્લાર્ક પર પાંચ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આંબેડકરનગરમાં રહેતા અને વાંકાનેર નગરપાલિકામાં હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ કેશુભાઈ પરમાર (ઉ.વ. 41)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કરણભાઈ રમેશભાઈ સારેસા, સાહીલ મનુભાઈ વાઘેલા, ચિરાગભાઈ મૂળજીભાઈ બોસીયા, અજયભાઈ વાઘજીભાઈ સુમેસરા અને સિદ્ધાર્થ ઉર્ફે કાનો નરેશભાઈ સારેસા સામે આરોપ લગાવવામાં આવ્યા છે.
ફરિયાદ મુજબ વર્ષો પહેલા છોકરી બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી આરોપીઓએ રાજેશભાઈ પર લોખંડના પાઈપ અને તીક્ષ્ણ છરી વડે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન રાજેશભાઈ તેમજ તેમના સાથી મોહિતને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આરોપીઓએ બંનેને માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

