ભારતીય રેલવે અને IRCTC દ્વારા આયોજિત ભારત ગૌરવ પ્રવાસન ટ્રેન દક્ષિણ ભારતની આધ્યાત્મિક યાત્રા પૂર્ણ કરીને સફળતાપૂર્વક ગુજરાત પરત ફરી છે. 12 મે, 2026ના રોજ રાજકોટથી પ્રસ્થાન કરનાર આ વિશેષ ટ્રેનમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના કુલ 335 યાત્રાળુઓ જોડાયા હતા.
IRCTC પશ્ચિમ ઝોન અમદાવાદના પ્રવક્તા જિતેન્દ્ર કુમાર જયંતે માહિતી આપતા જણાવ્યું હતું કે યાત્રાળુઓએ તિરુપતિ બાલાજી, રામેશ્વરમ જ્યોતિર્લિંગ, મીનાક્ષી મંદિર, કન્યાકુમારી તેમજ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ જેવા પવિત્ર સ્થળોના દર્શનનો લાભ લીધો હતો. યાત્રા પૂર્ણ થયા બાદ ટ્રેન અમદાવાદ અને રાજકોટ ખાતે સુરક્ષિત રીતે પરત ફરી હતી. સંપૂર્ણ પ્રવાસ દરમિયાન યાત્રાળુઓ માટે ભોજન, રહેવા અને આરોગ્યની વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. મુસાફરોની સુરક્ષા જળવાઈ રહે તે માટે ટ્રેનમાં સુરક્ષા કર્મચારીઓની તૈનાતી કરવામાં આવી હતી, જ્યારે દરેક કોચમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સફાઈ સ્ટાફ સતત કામગીરીમાં રહ્યો હતો.
યાત્રા પૂર્ણ થયા બાદ યાત્રાળુઓએ IRCTCની વ્યવસ્થાઓને લઈને સંતોષ વ્યક્ત કર્યો હતો. લાંબી યાત્રા હોવા છતાં કોઈપણ યાત્રાળુને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો અને તમામ સ્થળોએ સુવિધાજનક રીતે દર્શન કરી શક્યા હતા. ભારત ગૌરવ પ્રવાસન ટ્રેનનું સંચાલન IRCTC પશ્ચિમ ઝોન અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. રોશન ગુપ્તા, બ્રિજેશ મિશ્રા અને અંકિત બિલવારના માર્ગદર્શન હેઠળની ટીમે યાત્રાળુઓની સુવિધા, આરોગ્ય, સલામતી, સ્વચ્છતા તેમજ દર્શન વ્યવસ્થાનું સફળ સંચાલન કર્યું હતું.

