HomeGujaratકોંગ્રેસ આવે છે, આવે છે પણ ક્યારે આવશે તેણે લઈ સસ્પેન્સ : પ્રમુખ-વિપક્ષી...

કોંગ્રેસ આવે છે, આવે છે પણ ક્યારે આવશે તેણે લઈ સસ્પેન્સ : પ્રમુખ-વિપક્ષી નેતાના નામ જાહેર કરવામાં હજુ વિલંબ

ગાંધીનગર,મંગળવાર

    ગુજરાતમાં 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. જાે કે, બીજી તરફ કોંગ્રેસ હજુ પોતાના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાના નામ જાહેર કરી શકી નથી. છેલ્લા નવ મહિના કરતાં વધારે સમય થઈ ગયો હોવા છતાં પણ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાના નામ જાહેર થઈ શક્યા નથી. કોંગ્રેસ આવે છે આવે છે તેવું કહેવામાં આવે છે પણ કોંગ્રેસ ક્યાંય નથી ક્યાંય નથી તેવું કાર્યકરો કહી રહ્યા છે. દિવાળી પછી આ બંને પદ ઉપર જાહેરાત કરી દેવામાં આવશે તેવું કહેવાતું હતું અને દિવાળી ગયે મહિના જેટલો સમય થઈ ચૂક્યો હોવા છતાં પણ જાહેરાત ટલ્લે ચડી છે. ગુજરાત કોંગ્રેસમાં આંતરિક જૂથબંધીના કારણે હાઈ કમાન્ડ નિર્ણય લઈ શક્તી નથી. ભાજપની સામે ચૂંટણી જંગમાં ટક્કર લેવા માટે કોંગ્રેસે હજુ કોઈ તૈયારી જ કરી નથી. અંદરો અંદરની ખેંચતાણના કારણે જાહેરાત વિલંબમાં પડી છે. કાર્યકરો પણ દિલ્હી ભણી નજર દોડાવી દોડાવીને થાક્યા પણ હજુ કોઈ મેળ પડતો નથી. દિલ્હી હાઈકમાન્ડ શું કરવા ઈચ્છે છે તે જ ગુજરાતના કોંગ્રેસના નેતાઓને સમજાતું નથી. 

   ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાયેલી છે અને નારાજ નેતાઓ પંજાને બાય બાય કરી રહ્યા છે. તાજેતરમાં જ બનાસકાંઠાના કોંગ્રેસના કદાવર નેતા મણિલાલ વાઘેલાએ છેડો ફાડ્યો હતો અને કોંગ્રેસ ઉપર સનસનીખેજ આક્ષેપ કર્યા હતા. કોંગ્રેસમાં ઘર કરી ગયેલી જૂથબંધી કાઢવી મુશ્કેલ બની ચૂકી છે અને ચાર-ચાર જૂથમાં વહેચાયેલા નેતાઓ હું નહીં તો તું પણ નહી તેવી માનિસક્તા રાખીને પ્રદેશ પ્રમુખના સંભવિત નામનો વિરોધ કરી રહ્યા છે. હાર્દિક પટેલ દિલ્હી હાઈકમાન્ડમાં પ્રીતિપાત્ર છે અને તેણે પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે તેવી પ્રબળ અટકળો વહેતી થઈ હતી. જાે કે, સિનિયર નેતાઓએ હાર્દિકને લઈ ભારે વિરોધ કર્યો હતો અને એક તબક્કે રાજીનામા આપવાની પણ ચીમકી ઊચ્ચારી હતી. જેથી હાઈકમાન્ડે હાર્દિકના નામ ઉપર ચોકડી મારી દીધી હતી.

   નવા પ્રમુખ તેમજ વિપક્ષી નેતાના પદ માટે જે જે નામ સૂચવાયા છે તેમાં પણ સિનિયર નેતાઓને વિરોધ છે અને પોતાના જૂથના નેતાને આ હોદ્દો અપાય તેવી માગણી પણ કરી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ ભલે સતત હારતી રહે અને વિધાનસભાની ચૂંટણીમાં કંઈ ઉકાળે નહી તેની સાથે આ નેતાઓને કોઈ લેવા કે દેવા નથી પણ પોતે જે ઉમેદવાર ઉભો કરે તેણે ટિકીટ આપવી જ જાેઈએ તેવી માનસિકતાએ કોંગ્રેસની ઘોર ખોદી નાખી છે. દિલ્હી હાઈકમાન્ડ પણ સિનિયર નેતાના શરણે થઈ ગયું હોય તેમ કોઈ જ આક્રમક કાર્યવાહી કરતું નથી. જેની અસર કાર્યકરોના મનોબળ ઉપર પડી રહી છે. કોંગ્રેસના કાર્યકરો દુઃખી થઈ ચૂક્યા છે અને તાકીદે પ્રમુખ અને વિપક્ષી નેતાની નિમણૂક કરવામાં આવે તેવું ઈચ્છી રહ્યા છે. જાે કે, હાઈકમાન્ડ સંભવિત નારાજગીને ખાળવા માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યું છે. આવી રીતે ચૂંટણીની તૈયારીઓ થતી રહેશે તો કોંગ્રેસનો ગરબો ઘેર આવશે તેમાં બેમત નથી. કેમ કે, કહેવાતા સિનિયર નેતાઓને પક્ષને જીતાડવાની કોઈ તાલાવેલી જ નથી પણ પોતાને ટિકીટ મળે અને પોતાના લાગતા વળગતાને પણ ટિકીટ મળે તે માટે લોબિંગ કરવાનું છોડતા નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,350SubscribersSubscribe

TRENDING NOW