હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક આજે એક અરેરાટીભરી અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં હળવદથી મોરબી જઈ રહેલી ગુજરાત એસ.ટી. (ST) વિભાગની લક્ઝુરિયસ વોલ્વો બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં એસ.ટી. બસની ટક્કરથી ટ્રેક્ટર ચાલક ખેડૂતનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ચોમાસું નજીક આવતા ખેડૂતો ખેતરમાં કામગીરી માટે ટ્રેક્ટર માટે ડીઝલની ખરીદી કરી રહ્યા છે ખેડૂતોની માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન ખોરવાતા પંપ પર સતત ત્રણ ચાર દિવસથી લાઈન લાગી રહી છે, ત્યારે આ હાલાકી વચ્ચે એક અકસ્માતની બની હતી. જેમાં ચરાડવા ગામના ખેડૂત શૈલેશ માવજીભાઈ સોનગ્રા નામના ખેડૂત પોતાનું ટ્રેક્ટર લઈને નજીકના પેટ્રોલ પંપ પરથી ડીઝલ પુરાવીને પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન ચરાડવા હાઈવે નજીક હળવદ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી મોરબી રૂટની એસ.ટી. વોલ્વો બસે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસની ઠોકરના કારણે ટ્રેક્ટરમાં સવાર ચાલક ખેડૂત ગંભીર રીતે ઘવાયેલા અને તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું.

ખેતીકામ માટે ડીઝલ લઈને ઘરે પરત ફરતા સમયે જ કાળ આંબી જતાં મૃતક ખેડૂતના પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

