મોરબી જિલ્લામાં ગુનાખોરી પર નિયંત્રણ અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા શહેરમાં ઓચિંતું ‘ડે-કોમ્બિંગ ઓપરેશન’ હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ વિશેષ અભિયાનમાં પોલીસ અધિકારીઓ, મહિલા પોલીસ કર્મચારીઓ સહિત કુલ 10 જેટલી ટીમો બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
ઓપરેશન દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી. ફેન્સી નંબર પ્લેટ, બ્લેક ફિલ્મ, હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર વાહન ચલાવતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત દારૂના નશામાં વાહન હાંકતા ડ્રાઇવરો અને રોંગ સાઇડમાં વાહન ચલાવી ટ્રાફિકમાં અવરોધ ઉભો કરનારાઓ સામે પણ કેસ નોંધાયા હતા.
પોલીસ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ઓપરેશન દરમ્યાન 25 સક્રિય બુટલેગર, 8 જાણીતા જુગારીઓ, 30 ટપોરી તેમજ 8 હિસ્ટ્રીશીટરોની ચકાસણી કરવામાં આવી હતી. પ્રોહિબિશનના 4 સફળ કેસ નોંધાયા હતા જ્યારે 33 એમ.સી.આર. ચેકિંગ હાથ ધરાયું હતું. ઉપરાંત એમ.વી.એક્ટ હેઠળ 11 વાહનો ડિટેઇન કરાયા હતા. દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવવાના 2 કેસ અને જાહેરનામા ભંગનો 1 કેસ નોંધાયો હતો. ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ 72 કેસ કરી રૂ. 30,500નો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

