HomeGujaratટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ વિવિધ 26 ખાલી જગ્યાઓ પર હંગામી...

ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ વિવિધ 26 ખાલી જગ્યાઓ પર હંગામી ભરતી કરાશે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં કાર્યરત પી.એ. પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) કેન્દ્રો માટે સ્ટાફની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વર્ષ 2026-27 ના શૈક્ષણિક વર્ષ માટે ખાલી પડેલી વ્યવસ્થાપક (સંચાલક), રસોયા અને મદદનીશની જગ્યાઓ પર સરકારના નિયત થયેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી હંગામી ધોરણે નિમણૂક કરવામાં આવશે.

ભરતી અંગેની વિગતો અને લાયકાતમાં વ્યવસ્થાપક (સંચાલક): ઉમેદવાર લઘુતમ એસ.એસ.સી. (ધોરણ-10) પાસ હોવા જોઈએ. જો લાયકાત ધરાવતા ઉમેદવાર ન મળે, તો જ ધોરણ-7 પાસ ઉમેદવારની વિચારણા કરવામાં આવશે. રસોયા અને મદદનીશ: આ જગ્યાઓ માટે કોઈ શૈક્ષણિક લાયકાત નિર્ધારિત નથી, પરંતુ ઉમેદવાર શારીરિક રીતે તંદુરસ્ત હોવા અને કોઈ બીમારીની દવા ચાલુ ન હોવી અનિવાર્ય છે. વયમર્યાદા: અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની વય 20 વર્ષથી ઓછી અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

ટંકારા તાલુકાના નવા સજનપર, હીરાપર, ખાખરા, હમીરપર, ઉમિયા નગર, ઓટાળા, મિતાણા, નવા વિરપર, ઘુનડા (ખા), નેસડા (ખા), નસીતપર, રાજાવડ, હડમતીયા, નાના ખીજડીયા, જબલપુર, પ્રભુનગર અને ધ્રોલિયા સહિત પ્રાથમિક શાળાઓમાં વિવિધ જગ્યાઓ ભરવામાં આવનાર છે.

ઇચ્છુક અને લાયકાત ધરાવતા જે તે ગામના સ્થાનિક ઉમેદવારોએ નિયત નમૂનામાં સંપૂર્ણ વિગતો સાથે પોતાની અરજી જરૂરી દસ્તાવેજો જેવા કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, માર્કશીટ, રહેઠાણનો પુરાવો(રૅશનકાર્ડ અથવા લાઇટબિલ), આધારકાર્ડ, બેંક પાસબુક અને ચૂંટણીકાર્ડની નકલ સાહિતના દસ્તાવેજો જોડવાના રહેશે. ઉપરાંત અરજીમાં પાસપોર્ટ સાઇઝ ફોટો ચોંટાડવાનો રહેશે અને અરજીમાં પોતાનો મોબાઈલ નંબર અવશ્ય લખવાનો રહેશે. આ અરજી તા.26/05/2026 સુધીમાં કચેરી સમય દરમિયાન ‘મામલતદાર કચેરી-ટંકારા, મધ્યાહન ભોજન શાખા’ ખાતે રૂબરૂ અથવા ટપાલથી પહોંચતી કરવાની રહેશે. નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. અરજી કરનાર ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટેની જાણ ટેલિફોનિક માધ્યમથી કરવામાં આવશે.

ભરતી પ્રક્રિયાની પારદર્શિતા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા અમુક ચોક્કસ મર્યાદાઓ નિર્ધારિત કરવામાં આવી છે. જે મુજબ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ચૂંટાયેલા સભ્યો, સરકારી કે અનુદાનિત સંસ્થાના કર્મચારીઓ અને તેમના આશ્રિતો આ જગ્યાઓ માટે અરજી કરી શકશે નહીં. આ ઉપરાંત, આંગણવાડી કે અન્ય કોઈ પણ માનદ વેતનવાળી જગ્યાએ ફરજ બજાવતી વ્યક્તિઓ, હોમગાર્ડઝ, સસ્તા અનાજની દુકાન ધરાવતા ધારકો, અનાજ દળવાની ઘંટી ચલાવતા અથવા શાકભાજી-મસાલાનો વેપાર કરતા વ્યક્તિઓ પણ અરજી કરવા પાત્ર નથી. ગંભીર ગેરરીતિ સબબ અગાઉ છૂટા કરાયેલા સંચાલકો, વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા અથવા ગુનાહિત ઈતિહાસ ધરાવતી વ્યક્તિઓની અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. જે ઉમેદવારો રાજ્ય કે કેન્દ્ર સરકારના જાહેર સાહસમાંથી બરતરફ થયેલા હોય તેઓ પણ આ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં તેમ ટંકારા મામલતદારે જણાવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW