ચૂંટણી નજીક આવતી હોય ત્યારે વિધવા કે વૃધ્ધોને પેન્શન આપવામાં કોઈ મોડું થતું નથી પણ જેવી ચૂંટણીઓ પૂરી થાય એટલે ફરી પેન્શન અનીયમિત થતું હોવાના આક્ષેપો વચ્ચે મોરબી જિલ્લામાં વિધવા તથા નિરાધારો, દિવ્યાંગો લાભાર્થીઓ લાંબા સમયથી પેન્શનની વંચિત છે.એક તો આવા જરૂરિયાતમંદ લાભાર્થીઓને નજીવી રકમનું પેન્શન અપાતું હોય આવી પરિસ્થિતિ વચ્ચે એ નજીવી રકમનું પેન્શન પણ લાંબા સમયથી ન મળતા વિધવા તથા નિરાધારો, દિવ્યાંગો લાભાર્થીઓ કારમી મોંઘવારીમાં ઘરના બે છેડા ભેગા કરવામાં ભીંસમાં મુકાઇ ગયા છે.
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશભાઈ, ગીરીશભાઈ કોટેચાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જાહેર કરાયેલી વિધવા સહાય યોજના, વિકલાંગ પેન્શન યોજના હેઠળ ગરીબ, નિરાધાર વર્ગને જીવનનિર્વાહ ચલાવવા માટે દર મહિને નજીવી રકમનું પેન્શન ચૂકવવામાં આવે છે. પણ આ ગરીબોને લાંબા સમયથી પેન્શન ચૂકવાયું નથી. આ બાબતે અગાઉ પણ અનેક રજૂઆત કરવા છતાં હજુ સુધી પેન્શનથી વંચિત રખાયા છે. જો સરકારી નેતાઓ અને અધિકારીઓનો પગાર 1 તારીખે જમા થઈ જતો હોય, તો આ વિધવાઓ અને નિરાધાર લોકો સાથે આવો અન્યાય કેમ ?
હાલમાં કેટલાક ગરીબ લોકો પાસે ભાડા, ખાવાના પૈસા પણ બચ્યા નથી. અનેક લાભાર્થીઓ જે ખરેખર સરકારી યોજના હેઠળ પેન્શન મળવાની પાત્રતા ધરાવતા હોવાથી અરજીઓ મંજૂર થયેલી હોવા છતાં બેન્ક કે પોસ્ટ ખાતામાં તેમનું પેન્શન જમા થતું નથી. કેટલાક કિસ્સાઓમાં તો વર્ષોથી પેન્શન અટકેલું છે, લાભાર્થીઓને કચેરીઓના ધક્કા ખાવા છતાં સંતોષકારક જવાબ મળતો નથી. પેન્શન એ આ નિરાધાર વર્ગના જીવનનિર્વાહનો સ્ત્રોત છે અને તેના વગર ખોરાક, દવાઓ, રહેઠાણ જેવી જરૂરિયાતો માટે માનસિક ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે.

