મોરબી શહેરમાં રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાન (કૂતરાઓ)નો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં કૂતરા કરડવાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે, જેમાં વિતેલા ચોવીસ કલાકમાં જ અલગ-અલગ વિસ્તારોમાં ૧૦થી વધુ લોકોને શ્વાને નિશાન બનાવ્યા હોવાની બૂમ ઉઠી છે. આ આતંકને પગલે સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, શહેરના હાર્દ સમાન ગ્રીન ચોક, નાની બજાર, સનાળા રોડ તેમજ ચિત્રકૂટ સોસાયટી જેવા ધમધમતા વિસ્તારોમાં રખડતા શ્વાનોએ આતંક મચાવ્યો છે. અહીંથી પસાર થતી મહિલાઓ, પુરુષો અને નિર્દોષ બાળકોને શ્વાનોએ બચકા ભરી લોહીલુહાણ કર્યા હોવાના બનાવો સામે આવ્યા છે. કૂતરા પાછળ દોડતા હોવાને કારણે લોકો હવે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, માત્ર દિવસ દરમિયાન જ નહીં, પરંતુ રાત્રિના સમયે પણ આ સમસ્યા વધુ ગંભીર બને છે. મુખ્ય માર્ગો અને બજારોમાં રાત્રે પસાર થતા દ્વિચક્રી વાહનો પાછળ શ્વાનનું ટોળું દોડતું હોવાના કારણે વાહનચાલકો સ્લિપ થઈ જતાં હોવાના અને અકસ્માત સર્જાતા હોવાના કિસ્સાઓ રોજિંદા બન્યા છે. કોઈ મોટો જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલાં આ અંગે કડક પગલાં લેવા જરૂરી બન્યા છે.
મોરબી નગરપાલિકા અને સ્થાનિક તંત્ર સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. અગાઉ તંત્ર દ્વારા શહેરમાં રખડતા શ્વાનની વસ્તી નિયંત્રણ માટે ‘ખસીકરણ’ (Sterilization) ઓપરેશન કરવા અને શ્વાન માટે ‘શેલ્ટર હોમ’ બનાવવાની મોટી-મોટી જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ જાહેરાતોની આજદિન સુધી કોઈ મક્કમ અમલવારી થઈ નથી. તંત્રની આ નિષ્ક્રિયતાના કારણે નાગરિકો ભોગ બની રહ્યા છે. શહેરના જાગૃત નાગરિકો અને ભોગ બનનાર પરિવારો દ્વારા તંત્ર સમક્ષ તાત્કાલિક અસરથી રખડતા શ્વાનને પકડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.

