માલધારી સમાજની પરંપરાગત માન્યતાઓને તોડતી એક પ્રેરણાદાયી સફળતા સામે આવી છે. મોરબી જિલ્લાના ચાચાપર ગામના મચ્છુકાંઠા રબારી સમાજના યુવાન સુનિલભાઈ વજાભાઈ રાઠોડને સમાજ કલ્યાણ વિભાગમાં નાયબ નિયામક (Deputy Director) તરીકે નિમણૂક મળી છે. તેઓ સ્વબળે અને ખંતપૂર્વકના અભ્યાસથી ક્લાસ-1 અધિકારી તરીકે બઢતી મેળવનાર મચ્છુકાંઠા રબારી સમાજના પ્રથમ યુવાન બન્યા છે. આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ આખા સમાજ માટે ગૌરવ અને પ્રેરણાનું જીવંત પ્રતીક બની છે.
રબારી સમાજમાં પરંપરાગત રીતે પશુપાલન અને ખેતી જેવા વ્યવસાય સાથે જોડાયેલા યુવાનોની શિક્ષણ પ્રત્યેની જાગૃતિ વધી રહી છે. આવી પરિસ્થિતિમાં સુનિલ રાઠોડની આ સિદ્ધિ સમાજમાં શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફની આત્મવિશ્વાસ અને જાગૃતિ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
વડવાળા યુવા સંગઠન દ્વારા આ ઐતિહાસિક સિદ્ધિને બિરદાવવામાં આવી છે. સંગઠનના મુખ્ય સંયોજક દેવેન રબારીએ જણાવ્યું હતું કે,“આજનો દિવસ મચ્છુકાંઠા રબારી સમાજ માટે ગૌરવનો દિવસ છે. સુનિલ રાઠોડે જે સિદ્ધિ હાંસલ કરી છે તે સમાજના દરેક યુવાન માટે પ્રેરણાસ્ત્રોત છે. આ સફળતા સાબિત કરે છે કે મક્કમ સંકલ્પ, સતત મહેનત અને યોગ્ય માર્ગદર્શનથી કોઈપણ ઊંચાઈ સર કરી શકાય છે. અમે સમાજના તમામ યુવાનોને આ સિદ્ધિમાંથી પ્રેરણા લઈ આગળ વધવા હાકલ કરીએ છીએ.”
સુનિલભાઈ રાઠોડની આ સિદ્ધિને સમાજના અનેક વડીલો અને યુવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. આ ઘટના માલધારી સમાજમાં શિક્ષણનું મહત્ત્વ વધારવા અને યુવાન પેઢીને પ્રોત્સાહિત કરવાના નવા અધ્યાયની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે.

