રાજ્ય સરકાર દ્વારા મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના સુનિયોજિત વિકાસને ગતિ આપવા માટે તંત્ર સક્રિય બન્યું છે. શહેરમાં નાગરિક સુવિધાઓ વધારવા અને ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા મોરબી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ વિકાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. શહેરના વિસ્તરણ અને વધતા ટ્રાફિક દબાણને ધ્યાનમાં રાખીને માધાપર વિસ્તારમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવું શાક માર્કેટ ઉભું કરવાની યોજના અમલમાં મુકાઈ છે. આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને સંબંધિત એજન્સીને લેટર ઓફ ઈન્ટેન્ટ (LOI) આપવામાં આવ્યું છે. ટૂંક સમયમાં બાંધકામ કામગીરી શરૂ થવાની સંભાવના છે.
નવું શાક માર્કેટ કાર્યરત બન્યા બાદ છૂટક શાકભાજી વેપારીઓને સુવ્યવસ્થિત જગ્યા મળશે તેમજ નાગરિકોને ટ્રાફિક ભીડ વગર સરળતાથી ખરીદી કરવાની સુવિધા ઉપલબ્ધ થશે. શહેરના મુખ્ય વેપારી કેન્દ્ર ગણાતા ત્રિકોણ બાગ વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકાની જૂની અને જર્જરિત દુકાનોના પુનર્વિકાસ માટે પણ પાલિકા દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ બાબતે સ્થાનિક વેપારીઓ સાથે બેઠક યોજી પ્રોજેક્ટ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ યોજના હેઠળ હાલની જૂની દુકાનોના સ્થાને આધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ વિકસાવવામાં આવશે. જેના કારણે વિસ્તારની સૌંદર્યવૃદ્ધિ થશે, વેપારીઓને આધુનિક વ્યવસાયિક માળખું મળશે અને ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા આ બંને વિકાસ પ્રોજેક્ટ્સ શહેરના આધુનિકીકરણ અને સર્વાંગી વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યા છે.

