મુંબઈ, સોમવાર
શિવસેનાના સાંસદ સંજય રાઉતના પુત્રી પૂર્વશી રાઉત સોમવારે લગ્ન બંધનમાં બંધાય ગયા છે. તેવામાં તેમના ઘરે આયોજીત લગ્ન સમારંભમાં રવિવારે સંગીત સંધ્યામાં સંજય રાઉત ડાન્સ ફ્લોર પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. પુત્રીના લગ્નની ખુશીમાં ડાન્સ કરતા શિવસેના સાંસદ સંજય રાઉતે એનસીપીના સાંસદ સુપ્રિયા સુલે સાથે પણ નૃત્ય કર્યું અને બંનેના ડાન્સનો વીડિયો સોશયલ મીડિયામાં છવાયો છે. મહત્વપૂર્ણ છે કે પોતાના તીખા નિવેદનોને કારણે ચર્ચામાં રેહતા રાઉતની છબી એક ગંભીર નેતાની માનવામાં આવે છે. તેવામાં તેમનો આ વીડિયો જોઈને ઘણાં લોકો આશ્ચર્યચકિત છે.
સંગીત સમારંભમાં રાઉત અને સુપ્રિયા સુલે લેંબર્ગિની ચલાઈ જાને હો- ગીત પર નાચતા નજરે પડયા. તેના થોડા સમય બાદ રાઉતના પત્ની વર્ષા અને સુપ્રિયા સુલેના પતિ પણ તેમની સાથે આવીને ડાન્સ કરવા લાગ્યા હતા. વીડિયોમાં ઝુમી રહેલા સંજય રાઉતના ચહેરા પર પુત્રીના લગ્નની ખુશી સ્પષ્ટપણે જોઈ શકાય છે.
બીજી તરફ વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થતા જ લોકોએ ખૂબ પસંદ કર્યો. રાજકીય પક્ષોના સમર્થકો અને નેતાઓના ફેન્સે પણ જબરદસ્ત પ્રતિક્રિયા આપી. એક સોશયલ મીડિયા યૂઝરે આ વીડિયોને જોયા બાદ લખ્યું સંજૂ ભાઉ. મહત્વપૂર્ણ છે કે શિવસેનાના સાંસદ સંજય રાઉત પોતાના વિવાદીત નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યુ હતુ કે ઉદ્ધવ ઠાકરેએ કેટલાક દિવસ પહેલા દશેરાની રેલીમાં કહ્યુ હતુ કે દેશને સૌથી વધારે નકલી હિંદુઓથી ખતરો છે. જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે, ત્યારે દેશમાં હિંદુ-મુસ્લિમના નામ પર હુલ્લડો કરાવવામાં આવે છે. ચૂંટણી નજીક આવતા જ ભારત અને પાકિસ્તાનના ઝઘડા કાઢવામાં આવે છે.
સંજય રાઉત પહેલીવાર 2005માં મહારાષ્ટ્રમાંથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા. 2005માં શિવસેનાના નેતા તરીકે નિયુક્ત થયા. તે વર્ષે તેમણે ગૃહ મામલાની સમિતિ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય માટેની સલાહકાર સમિતિના સદસ્ય તરીકે નિયુક્તિ મેળવી હતી. 2010માં સંજય રાઉત ફરીથી મહારાષ્ટ્રમાંથી રાજ્યસભા માટે ફરીથી ચૂંટાયા હતા. 2016માં તેમને ત્રીજા કાર્યકાળ માટે ફરીથી રાજ્યસભામાં જવાનો મોકો મળ્યો હતો.

