મોરબી શહેરમાં આપઘાતના બનાવોની ચિંતા જનક ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં શહેરમાં ત્રણ અલગ અલગ આપઘાતના બનાવ નોંધાયા છે. જેમાં એક મહિલાએ એપાર્ટમેન્ટની અગાસી પરથી ઝંપલાવી આત્મહત્યા કરી હતી, જ્યારે અન્ય બે વ્યક્તિઓએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ત્રણેય બનાવોની જાણ સંબંધિત પોલીસ મથકોમાં કરવામાં આવી છે અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રથમ બનાવમાં મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલમાં મોરબીના લીલાપર રોડ પર વિદ્યુત સ્મશાન સામે આવેલી ઓમકાર રેસીડેન્સી બ્લોક નંબર 201માં રહેતી અંબિકા ઉર્ફે પ્રિયા ગુલાબરાય માંઝી નામની ૨૮ વર્ષીય યુવતીએ રહેણાંક બિલ્ડિંગની અગાસી પરથી નીચે ઝંપલાવી આપઘાત કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. બાદમાં મૃતદેહને વધુ કાર્યવાહી માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે મૃતક મહિલાના ભાઈ મંગલેશકુમાર ગુલાબરાય માંઝી (ઉંમર 30), હાલ સુરત નિવાસી, દ્વારા મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે નોંધ કરી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ મૃતક મહિલા છેલ્લા લગભગ પાંચ વર્ષથી એકલી રહેતી હતી અને એકલવાયા જીવનથી કંટાળી જતાં તેણે આકરા પગલાં ભર્યા હોવાનું જાણવા મળ્યું છે.
તો બીજા બનાવમાં મોરબીના માધાપર વિસ્તારની શેરી નંબર 18માં બન્યો હતો. અહીં રહેતી લાભુબેન રમેશભાઈ પરમાર નામના ૫૮ વર્ષીય આધેડ મહિલાએ પોતાના ઘરમાં જ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પરિવારજનોને બનાવની જાણ થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

