સમાજમાં ઘણી માન્યતાઓ એવી છે જેને લોકો સત્ય સમજીને વર્ષો સુધી વળગી રહ્યા છે. સમસ્યા એ નથી કે માન્યતાઓ છે, સમસ્યા એ છે કે તેને તપાસ્યા વગર સત્યના સ્થાને બેસાડી દેવામાં આવી છે. જ્યાં તથ્ય કરતાં માન્યતાઓનું મહત્વ વધારે બની જાય છે, ત્યાંથી અંધશ્રદ્ધા જન્મે છે અને સમાજ ધીમે ધીમે પાછળ જવા લાગે છે.
માન્યતાઓનું અંધ અનુસરણ ઘણી વખત ભય, અજ્ઞાન અને શોષણને જન્મ આપે છે. કોઈ બીમારી હોય તો સારવાર કરતાં ટોટકા કરવામાં આવે, કોઈ સમસ્યા હોય તો પ્રયત્ન કરતાં ચમત્કારની રાહ જોવામાં આવે. પરિણામે સમસ્યા ઉકેલાતી નથી, પરંતુ વધુ ગંભીર બની જાય છે. ઘણી વખત લોકો પોતાના પૈસા, સમય અને સમજણ પણ એવા લોકોના હાથમાં સોંપી દે છે જે શ્રદ્ધાના નામે માત્ર વેપાર જ કરતા હોય છે.
સૌથી મોટું નુકસાન એ છે કે માન્યતાઓ માણસની વિચારવાની શક્તિ છીનવી લે છે. જ્યારે માણસ પ્રશ્ન પૂછવાનું બંધ કરી દે છે ત્યારે તે સરળતાથી ભ્રમ અને છેતરપિંડીનો શિકાર બની જાય છે. સમાજમાં ઘણી બધી ખોટી પ્રથાઓ અને અયોગ્ય માન્યતાઓ માત્ર એટલા માટે જીવંત છે કે લોકો તેને પડકારવાની હિંમત કરતા નથી.
સત્યનું સન્માન કરવું હોય તો તથ્યોને સ્વીકારવાની હિંમત રાખવી પડશે. દરેક વાતને સમજવાનો, તપાસવાનો અને પ્રશ્ન પૂછવાનો સ્વભાવ વિકસાવવો પડશે. કારણ કે જ્યાં વિચાર બંધ થાય છે ત્યાં અંધશ્રદ્ધા શરૂ થાય છે.
સમાજને આગળ વધારવો હોય તો માન્યતાઓના ભારમાંથી બહાર આવવું જ પડશે. નહીં તો લોકો શ્રદ્ધાના નામે ભ્રમમાં જીવતા રહેશે અને પ્રગતિનો માર્ગ હંમેશા અંધકારમાં જ રહેશે
…નિલેશ પટેલ


