માળિયાના સરવડ ગામના નાલા પાસે ભાવપર-મોરબી રૂટની એસટી બસ અને ટેન્કર વચ્ચે ટક્કર સર્જાઈ હતી. જોકે, રાહતના સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બનાવ બાદ એસટી બસન ચાલકે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

ભાવપરથી મુસાફરો ભરીને મોરબી તરફ આવી રહેલી એસટી બસ જ્યારે સરવડ ગામ પાસેના નાલા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે પૂરપાટ ઝડપે આવતા એક ટેન્કરે બસના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસ રોડ સાઈડમાં આવેલા વીજપોલ સાથે અથડાઈ હતી અને ત્યારબાદ બાજુમાં આવેલી ગટરમાં ઉતરી ગઈ હતી. અકસ્માતને પગલે બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા અને સ્થળ પર થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, ડ્રાઈવરની સમયસૂચકતા અને નસીબજોગે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ ઘટના અંગે એસટી બસના ડ્રાઈવર અરવિંદભાઈ હુબલે માળિયા પોલીસ મથકે ડમ્પર/ટેન્કર ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ફરિયાદ નોંધાવી છે.

