HomeGujaratમાતૃભાષા દિવસે યુ એન મહેતા કોલેજમાં માતૃભાષા દિવસ નિમિત્તે સંસ્કૃતિ વિકાસમાં માતૃભાષાના...

માતૃભાષા દિવસે યુ એન મહેતા કોલેજમાં માતૃભાષા દિવસ નિમિત્તે સંસ્કૃતિ વિકાસમાં માતૃભાષાના મહત્વ વિશે ચર્ચા કરાઈ

વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબીના સંયુક્ત ઉપક્રમે 20 ફેબ્રુઆરી 2026ના રોજ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજ ખાતે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષાનું મહિમાનું વર્ણન અને લોકભાષા ગુજરાતી ના મહત્વ વિશે ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમનો આરંભ કોલેજની વિદ્યાર્થીનીઓ વિરડા આરતી, બાલાસરા બંસી, જોશી અંજલીએ પ્રાર્થના થકી કર્યો હતો. ત્યારબાદ કોલેજના આચાર્ય તથા કાર્યક્રમના સંયોજક ડો. રામભાઈ વારોતરિયાએ સૌનું શાબ્દિક સ્વાગત કરેલ. ગુજરાત સાહિત્ય અકાદમીના ભેટસ્વરૂપ પુસ્તક દ્વારા સર્વે મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાનો માતૃભાષા દિવસનો સંદેશ સંભળાવવામાં આવેલ.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ. જયંતીભાઈ ભાડેશિયા તેમજ વક્તા તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના, ગુજરાતી વિભાગના પ્રોફેસર ડો. જે. એમ. ચંદ્રવાડિયા તેમજ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, વડોદરાના ગુજરાતી વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ ડૉ. રાજેશ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.

ડો. જે. એમ.ચંદ્રવાડીયાએ વિવિધ ગુજરાતી સાહિત્યની ઉત્તમ પંક્તિઓ થતી માતૃભાષાની સમજ વિદ્યાર્થીઓને આપી હતી. તેમણે ગુજરાતીના મહાન કવિઓ એવા પ્રેમાનંદ, નર્મદ, દલપતરામનું સ્મરણ કર્યું હતું. આધુનિક કવિઓના દ્રષ્ટાંતો થકી માતૃભાષાની કઈ રીતે જાળવણી કરી શકાય એ અંગે ઉત્તમ વ્યાખ્યાન પૂરું પાડ્યું હતું.

ત્યારબાદ બીજા વક્તા ડૉ. રાજેશ મકવાણાએ આજના સમયમાં જ્યારે ભાષાઓ લુપ્ત થઈ રહી છે તો કઈ રીતે પોતાની માતૃભાષાને આપણે સૌ સાથે મળીને બચાવી શકીએ તે બાબત દિશા નિર્દેશ કર્યો હતો. તેમજ ગુજરાતી સાહિત્યના ઝવેરચંદ મેઘાણી, રાવજી પટેલ, હરીન્દ્ર દવે જેવા ઉત્તમ કવિઓના પુસ્તકો વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે, તો વિદ્યાર્થીઓએ પુસ્તકાલયમાં જઈને ગુજરાતી સાહિત્યના ઉત્તમ પુસ્તકોનું વાંચન સતત રાખવું જોઈએ તેવું સૂચન કર્યું હતું.

મુખ્ય અતિથિ તરીકે ડૉ.જયંતીભાઈ ભાડેશિયાએ પણ માતૃભાષાનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓ સમક્ષ ભાષાનું મહત્વ શું છે તે વિશે વિગતવાર પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું. બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. મોરબીના સાહિત્ય પ્રેમીઓ પણ ઉપસ્થિત રહેલ.

કાર્યક્રમની પૂર્ણાહુતિ ડૉ. અતુલ ધ્રુવે આભાર વિધિ થકી કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW