માર્ચ મહિનો નજીક આવતા વિવિધ સરકારી કચેરી નાણાકીય વર્ષ પૂર્ણ થાય તે પહેલા તેમના લેણા વસુલ કરવા ખાસ અભિયાન ચલાવે છે. જેથી વસુલાત વધારી શકાય અને તે રકમ ફરી લોકોના વિકાસ કામમાં વાપરી શકાય ત્યારે
મોરબી મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત માટે આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. વર્ષ 2025-26ના બાકી વેરાના નાણાં વસૂલવા માટે હાથ ધરવામાં આવેલી સઘન ઝુંબેશ અંતર્ગત, વારંવારની સૂચના છતાં વેરો ન ભરનારા 37 મિલકતધારકોની મિલકતોને પાલિકાની ટીમે સીલ કરી દીધી છે.
અગાઉ મિલકત વેરો ભરપાઈ ન કરનારા 312 આસામીઓને કાયદેસરની નોટિસ અને વોરંટ બજાવવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા બાદ પણ જે મિલકતધારકોએ વેરો જમા કરાવવામાં ઉદાસીનતા દાખવી હતી, તેમની સામે કડક પગલાં ભરી 37 મિલકતોને સીલ કરવાની ફરજ પડી હતી.
નગરપાલિકાની આ કડક કાર્યવાહીને પગલે વેરો બાકી રાખનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે જો બાકી લેણાં ચૂકવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વધુ મિલકતો સીલ કરવામાં આવશે.
વસૂલાતના આંકડા એક નજરે
ઝુંબેશ દરમિયાન નગરપાલિકાની તિજોરીમાં મોટી રકમ જમા થઈ છે:
-
શહેર વિસ્તાર: ₹૨,૪૮,૪૦,૫૦૩ ની આવક
-
ક્લસ્ટર અને ગ્રામ્ય વિસ્તાર: ₹૨,૧૨,૮૩,૮૪૪ ની આવક
-
કુલ વસૂલાત: ₹૪,૬૧,૨૪,૩૪૭

