મોરબીના બગથળા અને કાંતિપુર ગામને જોડતો મુખ્ય માર્ગ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી રીપેર કરવા માટે ગુજરાત સ્ટેટ આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે. તેમણે રસ્તાની તાત્કાલિક મરામત કરવા સ્પષ્ટ માંગ ઉઠાવી છે.
રજુઆતમાં જણાવ્યા મુજબ, બગથળાથી કાંતિપુર સુધીનો રસ્તો હાલમાં અત્યંત ખરાબ હાલતમાં છે, જેના કારણે વાહનચાલકો અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીમાર વ્યક્તિને સારવાર માટે દવાખાને લઈ જવામાં પણ ગંભીર મુશ્કેલીઓ ઉભી થાય છે અને રસ્તાની ખસ્તા હાલતને કારણે દર્દીની તબિયત વધુ બગડવાની શક્યતા રહે છે. ઉપરાંત, રોજગાર, વ્યવસાય અથવા દૈનિક ખરીદી માટે મોરબી શહેર આવન-જાવન કરનાર ગ્રામજનોને પણ આ માર્ગના કારણે ભારે તકલીફ સહન કરવી પડી રહી છે. આથી આ રસ્તાની તાત્કાલિક રીપેરિંગ કરી વાહન વ્યવહાર માટે યોગ્ય બનાવવાની માંગ કરવામાં આવી છે.
કાંતિલાલ બાવરવાએ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગામના લોકોને સાથે રાખીને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

