મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતા હાર્દિકભાઈ પ્રવીણભાઈ કંજારીયાએ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, આરોપી યોગેશભાઈ (રહે. મોરબી) તથા તેમના સાથેના બે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. ફરીયાદી મુજબ, તેમની માસીના ઘરની બાજુ આવેલા કોમ્પ્લેક્સની છત પર ગાળો બોલવાની મનાઈ કરતાં આરોપીઓ ઉશ્કેરાયા હતા. આ દરમિયાન યોગેશભાઈએ જયેશભાઈ પર લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો, જ્યારે એક અજાણ્યા આરોપીએ ફરીયાદીના માથા પર ધોકાનો ઘા માર્યો હતો તેમજ નાક પર લોખંડની વસ્તુથી હુમલો કરી લોહી નીકળે તેવી ઇજા પહોંચાડી હતી. આ ઘટનામાં જયંતીભાઈને ડાબા પગે કોસના ઘાથી ઇજા થઈ હતી અને સોનલબેનને પણ મુઢમાર મારવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ તરફ સામાપક્ષે, મોરબીના નાની વાવડી રોડ પર બાયપાસ ચોકડી નજીક જેપુરિયાની વાડી વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ નાનજીભાઈ પરમારે પણ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ અનુસાર, જેન્તીભાઈ ઉર્ફે ભોલો, હાર્દિકભાઈ, જયેશભાઈ તથા સોનલબેન તેમના પતંગના સ્ટોલ પર આવી ગાળો બોલી સ્ટોલ બંધ કરવાની ધમકી આપી હતી. બાદમાં આરોપીઓએ ધોકા અને પથ્થરથી હુમલો કરી છરી વડે પણ ઇજા પહોંચાડી હોવાનો આરોપ મૂકાયો છે.
બંને પક્ષોની સામસામે ફરિયાદના આધારે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે ગુનો નોધી બંને પક્ષો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


