મોબાઈલ ટેકનોલોજીના લોકો તો ઠીક બાળકો પણ એટલા બધા આદી થઈ ગયા છે કે આજના નાના ભૂલકાઓને શેરી રમતો કે જે રમતો ધરતીના ખોળે રમવાથી કુદરતી રીતે બાળપણ ખીલી ઉઠે છે તેનો ખ્યાલ જ નથી હોતો.
આથી બાળકો મોબાઈલ ગેમથી દુર થઈ શેરી રમતો માણી શકે તે માટે મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ ઑફ મોરબીની ધમાલ ગલી એટલે કે મોરબી મસ્તી સ્ટ્રીટનું તા.28ને રવિવારે સવારે 7:30 વાગ્યે સરદારબાગ શનાળા રોડ મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં શેરી રમતોમાં જોડાઇને નિર્દોષ ધમાલ કરવા માટે બાળકો ઉપરાંત મોટેરાઓ અને વૃદ્ધોને અપીલ કરાઈ છે.
આ કાર્યક્રમમાં શેરી રમતો બાળકોથી માંડી વૃદ્ધોને રમાડાશે. આ કાર્યક્રમમાં વધુને વધુ ભાગ લે તેવો મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ મોરબીનો આશય છે. આથી મનપાએ શહેરીજનોને અપીલ કરી હતી કે જેમને પોતાના બાળપણને તાજું કરવામાં રસ હોય, બાળકો સાથે મસ્તી કરવાનો મૂડ હોય તો રવિવારે સવારે 7:30 કલાકે, સરદારબાગ શનાળા રોડ મોરબી ખાતે પહોંચી જજો.
આ કાર્યક્રમ મોરબી મહાનગરપાલિકા તથા રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા બાળકથી માંડી વૃદ્ધો માટે બાળપણની રમતો અને યાદો તાજી કરવા માટે શેરી રમતો જેમ કે, લંગડી, ધમાલ્યો ધોકો, કોથળા દાવ, લીંબુ ચમચી, આંધળો પાટો, ભમરડો, જેવી અનેક શેરી રમતો રમાડવામાં આવશે!
જે રમતો માટે કોઇ પણ જાતનો એન્ટ્રી ચાર્જ રાખવામાં આવ્યો નથી. જેથી આ શેરી રમતો રમવા મનપાએ જાહેર અપીલ કરી છે.

