આસામના હોજાઈ જિલ્લામાં શનિવારે સવારે હાથીઓનું એક ટોળું સૈરંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસની અડફેટે આવી ગયું હતું, વહેલી સવારે બનેલા આ અકસ્માતમાં સાત હાથીનાં મોત થયાં અને એક બચ્ચું ઘાયલ થયું હતું અકસ્માતમાં ટ્રેનનું એન્જિન અને પાંચ કોચ પણ પાટા પરથી ઊતરી ગયાં હતા બનાવમાં તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે.
આ અકસ્માત મોડીરાતે 2:17 વાગ્યે ચાંગજુરાઈ ગામ પાસે થયો હતો. શરૂઆતમાં આઠ હાથીનાં મોત થયાં હોવાના અહેવાલ હતા, પરંતુ બાદમાં પુષ્ટિ થઈ કે એક હાથીનું બચ્ચું જીવિત છે અને ગંભીર રીતે ઘાયલ છે. અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ હોવાની કોઈ વિગત સામે આવી નથી
અકસ્માત સ્થળ ગુવાહાટીથી લગભગ 126 કિલોમીટર દૂર છે. રેસ્ક્યૂ ટ્રેન અધિકારીઓ સાથે ઘટનાસ્થળ તરફ રવાના થઈ ચૂકી છે. પાટા પરથી ઊતરી જવા અને પાટા પર હાથીઓના મૃતદેહ મળવાને કારણે ઉપલા આસામ અને પૂર્વોત્તરના અન્ય ભાગો માટે રેલ સેવાઓ હાલ પૂરતી બંધ છે. વન વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રેન અકસ્માતમાં 8 હાથીનાં મોત થયાં છે. હાથીનું એક નાનું બચ્ચું આ અકસ્માતમાં ઘાયલ થયું છે, જેની સારવાર ચાલી રહી છે.
.
નગાંવના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર સુહાસ કદમે જણાવ્યું હતું કે વિસ્તારમાં ગાઢ ધુમ્મસ હોવાને કારણે આ અકસ્માત થયો હોવાની આશંકા છે. મૃત હાથીઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે, જ્યારે સ્થાનિક પશુચિકિત્સકો ઘાયલ હાથીની સારવાર કરી રહ્યા છે.

