HomeGujaratકમોસમી વરસાદથી 36 કિમીના રૂટ પર કાદવ-કીચડના કારણે ગિરનારની લીલી પરિક્રમા મોકૂફ

કમોસમી વરસાદથી 36 કિમીના રૂટ પર કાદવ-કીચડના કારણે ગિરનારની લીલી પરિક્રમા મોકૂફ

હિન્દુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની આસ્થા સમા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદને કારણે મોકૂફ કરવાનો વહીવટી તંત્ર અને સાધુ-સંતોએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે. સતત વરસેલા વરસાદના કારણે 36 કિલોમીટરનો પરિક્રમા રૂટ સંપૂર્ણપણે બિસ્માર અને કાદવ-કીચડથી ભરપૂર બની ગયો છે, જેના પગલે સામાન્ય શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુવિધા તેમજ સલામતીને ધ્યાને રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

​આ નિર્ણય જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, સાધુ-સંતો અને ઉપસ્થિત સાંસદ તેમજ ધારાસભ્યની હાજરીમાં લેવાયો હતો. જોકે, ધાર્મિક મુહૂર્ત જાળવવા માટે માત્ર સાધુ-સંતો અને મર્યાદિત સંખ્યામાં ભાવિકો સાથે પ્રતીકાત્મક પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ 1લીના રાત્રિના મુહૂર્તમાં યોજાશે.

જે રૂટ પર પરિક્રમા યોજાય છે તે 36 કિમીના રોડ પર કમોસમી વરસાદના કારણે રોડ રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને રોડ તૂટેલી હાલતમાં છે. જેના કારણે ભારે વાહનોને જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જેના કારણે આ વર્ષે તંત્ર દ્વારા પરિક્રમા ભાવિકો માટે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. તો બોરદેવી જતાં રસ્તા સુધી પણ વાહનોનું પસાર થવું અશક્ય બન્યું છે. રસ્તાઓ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય એટલું વ્યાપક છે કે પગપાળા ચાલવું પણ અત્યંત મુશ્કેલ છે. ​લાખો ભાવિકો પોતાના પરિવાર, બાળકો અને વૃદ્ધો સાથે આ 36 કિમીની કઠિન યાત્રા કરતા હોય છે, પરંતુ રૂટની આ હાલત જોતા તેમની સુરક્ષા જોખમાય તેવી સ્થિતિ હતી.

ભારે વરસાદના કારણે ઊભી થયેલી અન્ય મુશ્કેલીઓની વાત કરીએ તો જંગલ સંપૂર્ણપણે ભીનું થઈ જતાં રાત્રિ રોકાણ કરનારા ભાવિકોને ઠંડી, ભીનાશ અને અગવડતાનો સામનો કરવો પડે છે. ભીના જંગલમાં ભોજન બનાવવા માટે સૂકા લાકડા મળવા અતિ મુશ્કેલ છે, જેના કારણે અન્નક્ષેત્રોને મુશ્કેલી પડે છે.

​આ નિર્ણયથી જૂનાગઢ શહેરના અર્થતંત્રને મોટો ફટકો પડશે. શિવરાત્રી મેળો અને લીલી પરિક્રમા જૂનાગઢ માટે કરોડો રૂપિયાનું આર્થિક બૂસ્ટર સમાન છે. પરિક્રમા રદ થવાથી સ્થાનિક વેપારીઓ અને ગુજરાત બહારથી ‘પેટીયું’ રળવા આવતા લોકોને મોટું નુકસાન થશે.

દાણાપીઠના વેપારીઓએ હજારો કિલો અનાજ, દાળો અને ખાદ્ય સામગ્રીનો સ્ટોક કરી દીધો હતો. પરિક્રમાથી કરોડોનો આર્થિક ફાયદો થતો, પરંતુ આ વર્ષે વેપારીઓને નુકસાની ભોગવવાનો વારો આવશે. પરિક્રમામાં વિનામૂલ્યે સેવા આપતા ઉતારા મંડળો અને અન્નક્ષેત્રો દ્વારા લાખો રૂપિયાની ખાદ્ય સામગ્રી ખરીદી લેવામાં આવી છે. જંગલમાં પ્રવેશ ન મળતા તેમનો માલ-સામાન ભવનાથ ક્ષેત્રમાં જ અટવાયેલો છે.

​વર્ષોથી અન્નક્ષેત્ર ચલાવતા ખોડીયાર રાસ મંડળના કિશોર વાડોદરિયાએ જણાવ્યું હતું કે, વહેલી તકે મંજૂરી ન મળતા લાખો ભાવિકોને સુવિધા આપવામાં મુશ્કેલી ઊભી થતી હતી. હાલ તેઓ ભવનાથ ક્ષેત્રમાં જ ભાવિકોને ભોજન પ્રસાદી પીરસી રહ્યા છે.

ગિરનારની લીલી પરિક્રમા માત્ર એક શારીરિક યાત્રા નથી, પરંતુ આસ્થા અને આધ્યાત્મિક શક્તિનો માર્ગ છે. શ્રદ્ધાળુઓ ગિરનારના પવિત્ર પર્વત પર બિરાજમાન નવનાથ સિદ્ધ, ચોરાસી સિદ્ધ, બાવન વીર અને ચોસઠ જોગણીઓના આશીર્વાદ લેવા માટે 36 કિમીનું કઠિન વ્રત પૂર્ણ કરે છે. એવું માનવામાં આવે છે કે કારતક મહિનામાં જ્યારે જંગલની હરિયાળી ચરમસીમા પર હોય છે, ત્યારે આ પવિત્ર પ્રકૃતિ વચ્ચે પરિક્રમા કરવાથી લાખો ભાવિકો પુણ્યનું ભાથું બાંધે છે અને મોક્ષના દ્વાર ખૂલે છે. તંત્ર દ્વારા લેવાયેલો આ નિર્ણય લાખો ભાવિકોની આસ્થાને ઠેસ પહોંચાડે તેવો છે, પરંતુ તે તેમની સલામતી અને સુવિધા જાળવવા માટે લેવાયેલો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW