સુરત દુષ્કર્મકેસમાં ગુજરાત હાઇકોર્ટે આસારામના હંગામી જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા છે. આસારામે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન લંબાવવા માગ કરી હતી. તેમજ હોસ્પિટલ અને ડોક્ટરના સર્ટિફિકેટ રજૂ કર્યાં હતાં. સરકારી વકીલે આ સર્ટિફિકેટ ચકાસવા સમય માગ્યો હતો. આ અંગે 21 ઓગસ્ટે વધુ સુનાવણી યોજાશે, એટલે ત્યાં સુધી હંગામી જામીન લંબાવ્યા છે. આમ, હાઇકોર્ટે ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા છે.
આ પહેલાં 27 જૂને હાઇકોર્ટે 07 જુલાઈ સુધી જામીન લંબાવી આપ્યા હતા. ત્યાર બાદ 03 જુલાઈએ હાઇકોર્ટે આસારામના જામીન 01 મહિનો સુધી વધાર્યા હતા. હવે આજે(7 ઓગસ્ટ, 2025) ત્રીજીવાર જામીન લંબાવ્યા છે.
સુરતની મહિલાએ આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વર્ષ 2013માં આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલ્યો હતો, જેમાં ગાંધીનગર કોર્ટ દ્વારા 2023માં આસારામને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

