વાંકાનેરના અમરસર ગામે રહેતા જીતેશભાઈ શામજીભાઈ ચાવડા ગત તા.26/01/2025ના રોજ રાત્રીના સમયે નવાપરા નાલા પાસે ચાલીને જતા હતા. તે સમયે સાગરભાઈની રીક્ષાના કાચમાં તેમનો હાથ અડી જતા કાચ તૂટી ગયો હતો. જે બાદ જીતેશભાઈએ કાચ નવો નખાવી દેવાનું કહેતા બન્ને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. બાદમાં આગળ જતાં આરોપી દશરથ મૈસુરભાઈ ગમારા, રમેશભાઈ પરબતભાઇ ગમારા અને કમલેશભાઈ ગાંડુભાઈ ગમારા રસ્તામાં મળતા અમારા ભરવાડની રિક્ષાનો કાચ કેમ તોડ્યો તેમ કહેતા જીતેશભાઈએ કહ્યું હતું કે, અમારે સમાધાન થઈ ગયું છે અને હું તેમને નવો કાચ નખાવી દેવાનો છું. તેમ છતાં આરોપીઓએ ઝઘડો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ મામલે જીતેશભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં તે ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

