મોરબી જીલ્લાનાં જોધપર ઝાલા ગામનાં વતની અને ભારતીય સેનામાં છેલ્લા 18 વર્ષ થી ફરજ બજાવતા લશ્કરી જવાન પરેશકુમાર સારેસા શારીરિક બીમારીને કારણે શહિદ થયા હતા. તેઓ લાંબા સમયથી શ્વાસની બીમારીથી પીડાઈ રહ્યા હતા અને અમદાવાદ ખાતેની આર્મી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તે દરમિયાન તેમનું અવસાન થયું હતું. આર્મી જવાનને ગઈ કાલે તેમના વતન જોધપર ઝાલા ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં રાજકીય સન્માન સાથે તેને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
ટંકારાના જોધપર ઝાલા ગામે શહિદ જવાનને સલામી આપવાં જમ્મુ કાશ્મીર, જામનગર, અમદાવાદ તેમજ રાજકોટ થી આર્મીનાં સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. શહિદની અંતિમયાત્રા માં જોધપર સમસ્ત ગ્રામજનો તેમજ આસપાસનાં તાલુકા જીલ્લાથી એક્સ આર્મી જવાનો, વિસ્તારનાં ધારાસભ્ય સહિત અનેક સામાજીક રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી. 18 વર્ષની સેવા દરમિયાન પરેશ કુમારે ગુજરાત, પશ્ચિમ બંગાળ, પંજાબ, રાજસ્થાન સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં સેવા આપી હતી.
આવતીકાલે તા. 2 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગે શહિદ પરેશ કુમારનું બેસણું ટંકારા તાલુકાનાં જોધપર ઝાલા ખાતે રાખેલ છે.

