વલસાડના પારડી તાલુકાના મોતીવાળા વિસ્તારમાં રહેતી બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું 14 નવેમ્બરના રોજ અપહરણ કરી નજીકમાં આવેલી આંબાવાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખવાના ગુનામાં પકડાયેલ આરોપી સિરિયલ કિલર નિકળ્યો હતો. જેણે 25 દિવસમાં 4 રાજ્યમાં 5 હત્યા કરી હતી. આ આરોપીએ 8મી જૂનના રોજ વડોદરા પ્રતાપનગર રેલવે સ્ટેશન પછીના ત્રણ સ્ટેશન બાદમાં સાથે મુસાફર રહેલા અલ્પ દ્રષ્ટિવાળા ઈસમને અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
મળતી માહિતી મુજબ, ગત તા.8 મી જૂન 2024ના રોજ પ્રતાપનગર રેલવે સ્ટેશનથી પેસેન્જર ટ્રેનમાં મુસાફરી દરમિયાન દિવ્યાંગ ડબ્બામાં પોતાની સાથે મુસાફરી કરનાર એક અલ્પ દ્રષ્ટિ યુવાનને લૂંટી લેવાના ઈરાદે પ્રતાપનગર રેલવે સ્ટેશન પછી ત્રણેક રેલવે સ્ટેશન બાદ વાતચીત દરમિયાન વિશ્વાસમાં લઈ ટ્રેનમાંથી ઉતારી લીધો હતો. રેલવે સ્ટેશનથી વડોદરા જતાં મેઈન રોડ તરફ લઈ જઈ થોડે દુર ખુલ્લા પ્લોટમાં આરોપી રાહુલ જાટ યુવાનને લઈ ગયો હતો. જયાં તેની સાથે ઝપાઝપી કરી તેનું સાકળથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી. સિરિયલ કિલર રાહુલ જાટે અજાણ્યા ઈસમની હત્યા કરી તેની પાસેથી રોકડા રૂપિયા તેમજ મોબાઇલ લૂંટી લીધા હતા. આરોપીએ વર્ણવેલા વર્ણન મુજબ વડોદરા પ્રાથમિક પૂછપરછ કરાઈ હતી. જે આધારે ખાત્રી કરતાં આ કામે ડભોઈ પોલીસ મથક વિસ્તારમાં અકસ્માત મોતથી બનાવ નોંધ કરવામાં આવી હતી. આરોપી રાહુલે કરેલી હત્યાની કબૂલાત કર્યા બાદ ડભોઈ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
ડભોઇ પોલીસ મથક વિસ્તારમાં રાહુલે કરેલી હત્યાની ઘટનામાં મૃત્યુ પામનર યુવક ફયાઝ અહમદ મહેબુબ અહમદ શેખ રહે.અક્કલકુવા, નંદુરબાર, મહારાષ્ટ્રનો હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના પિતાએ ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે હત્યારા રાહુલ જાટ વિરુદ્ધ ફરીયાદ નોંધી હતી. વલસાડ પોલીસે સિરિયલ કિલરની યુક્તિ પૂર્વક રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા વધુ હત્યાઓનો ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળેલ છે. આમ એકંદરે હજી સુધી આરોપીએ આચરેલ કુલ-6 ખુનના ગુનાઓ શોધવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મેળવી છે.

