નેશનલ હાઇવે પર પણ દોઢ ફૂટ ઊંડા ખાડાથી ટ્રાફિક જામના પ્રશ્ન વધ્યા
મોરબીમાં વરસાદ સાથે ધીમે ધીમે હવે શહેર ખાડા નગરીમાં પલટી રહ્યું છે. મોરબી શહેર અલગ અલગ વિસ્તારમાં ચોમાસા પહેલા કરાયેલ પેચ વર્ક ધોવાઈ જતા ફરી એકવાર શહેરમાં ખાડાઓનું રાજ શરૂ થઈ ગયું છે. નેશનલ હાઇવે વિસ્તારમાં પણ અલગ અલગ સ્થળે મસમોટા ખાડા પડી જતાં એક તરફ નાના મોટા અક્સ્માત વધ્યાં છે, સાથે સાથે ટ્રાફિક જામની સમસ્યા પણ વધી છે.
સમગ્ર મોરબી જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી મેઘરાજા ની મહેર થતાં સાર્વત્રિક વરસાદ થયો હતો. જેના કારણે અનેક સ્થળે વરસાદી પાણી ભરાવો થયો હતો. હવે અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ઓસરી જતાં જ્યાં જ્યાં પાણી ભરાયાં હતાં ત્યાંથી ડામર ઉખડવા લાગ્યો છે, તો કેટલાય માર્ગો એવા છે જ્યાં ચોમાસા પહેલા જ પેચ વર્ક ન થવાના કારણે હવે આં રોડ વધારે જર્જરિત બની ગયા છે. મોરબી શહેરની વાત કરીએ તો સ્ટેશન રોડ , માધાપર થી આયોધ્યા પૂરી ને જોડતો રોડ, મંગલ ભુવન વિસ્તાર, શનાળા રોડ , લોહાણા સમાજ વાડી ની સામેનો ભાગ, સહિતના તમામ વિસ્તારોમાં ફરી એકવાર મસમોટા ખાડા પડી ગયાં છે.માધાપર થી અયોધ્યાપૂરીને જોડતા રોડ પર એટલી હદે મોટા ખાડા થઈ ગયાં છે કે, ત્યાંથી અવાર નવાર મોટા અકસ્માત થઇ રહ્યા છે. પાલિકા દ્વારા મોટાભાગના માર્ગો પર ડામર થી પેચવર્ક કરવામાં આવ્યું હતું. જો કે આં પેચવર્ક જાણે મસમોટું બિલ પાસ કરવા માટે કરાયું હોય તેમ ચોમાસાની શરૂઆત પહેલાં જ ડામર પાથર્યો અને વરસાદી પાણીમાં તમામ રસ્તાનું પેચ વર્ક ધોવાઈ ગયું છે.

