હળવદ તાલુકાના માથક ગામે આવેલી વાડાની જગ્યા આરોપીના નામે ચડાવી દેવા બાબતે તલાટી સાથે ઝઘડો કરી બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હોવાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ઘનશ્યામપુર ગામે રહેતા અને માથક ગામે તલાટી તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ કરમશીભાઈ આલએ આરોપી હરપાલસિંહ જયવંતસિંહ ઝાલા અને મીતરાજસિંહ હરપાલસિંહ સામે ફરિયાદ નોંધાવી છે કે, ગતકાલે તેઓ માથક ગ્રામ પંચાયત વિભાગમાં ફરજ બજાવતા હોય તે દરમિયાન આરોપી હરપાલસિંહએ આવી માથક ગામે આવેલી વાડાની જગ્યા પોતાના નામે ચડાવી દેવા બાબતે ફરિયાદી સાથે ઝઘડો કરી બિભત્સ ગાળો આપતા ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા હરપાલસિંહે ઉશ્કેરાઇ જઇ છરીથી હુમલો કરતા ફરીયાદીએ તેમનો હાથ પકડી લેતા ઝપાઝપી થઈ હતી. આ દરમ્યાન આરોપી મિતરાજસિંહે ફરીયાદીના મોઢા પર એક મુક્કો મારી ડાબી આંખના ભાગે મુંઢ ઈજા કરી અને આરોપી હરપાલસિંહએ છરીથી હુમલો કરી ફરીયાદીને એક ઘા ડાબા હાથની કોણી પાસે મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની ફરજમાં રુકાવટ કરી હતી. જેથી ભોગ બનનાર જગદીશભાઇએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
હળવદના મથકમાં તલાટી પર હુમલો કરનાર 2 શખ્સ સામે ફરિયાદ નોધાઇ
RELATED ARTICLES

