મોરબી જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જરૂરિયાતમંદ લોકોની પસંદગી કરી પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સાંકળી તેમને ઘરનું ઘર મળે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લામાં ગત વર્ષે ૯૮૫ લાભાર્થીઓના ઘરના ઘરનું સપનું પ્રધાનમંત્રી આવાસ યોજનાએ સાકાર કર્યું છે. પ્રત્યેક લાભાર્થીને ૧,૨૦,૦૦૦ હજારની સહાય અન્વયે જિલ્લામાં સરકારની ૧૧.૮૨ કરોડથી વધુની સહાય થકી ૯૮૫ પરિવારોને પાકી છત મળી શકી છે. મોરબી જિલ્લા કુલ ૨૫૩૦ થી વધુ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સુવિધાસભર, સક્ષમ અને સલામત આવાસ મળી શક્યું હોવાના મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા દાવો કરવામાં આવ્યો છે
બીજી તરફ લાભ લેનાર લાભાર્થી પરીવારોમાંથી કેટલાક પરિવારે જણાવ્યું હતું કે તેઓ અગાઉ કાચા મકાનમાં અથવા ભાડાના મકાનમાં રહેતા હતા. કોઈ પરિવારને ટપકતી છતની મુશ્કેલી હતી તો કોઈ પરિવારને ચોમાસામાં જીવ-જંતુઓનો ડર. ટપકતું પાણી, કડકડતી ઠંડી, અસહ્ય ગરમી અને જીવ-જંતુઓનો ભય આવી તો અનેક સમસ્યાઓમાંથી આ પરિવારોને છુટકારો મળ્યો છે ત્યારે તેમના ચહેરા પરનું સ્મિત અનેરું હોય એ સ્વાભાવિક છે. એક માજીએ તો ગદ્-ગદ્ થતાં કહ્યું કે, એક તરફ મારી વહુને પ્રસૂતિ અને બીજી તરફ ચોમાસું, ઘરમાં પાણી જ પાણી ક્યાંય પગ મૂકવાની જગ્યા નહીં એ દિવસો કેમ ભુલાય ? ભલું થાજો સરકારનું કે એમણે અમને ઘર બનાવવા માટે સહાય કરી. હવે જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાથી અમારું ઘર બની ગયું હોવાથી ખુશી વ્યક્ત કરી હતી
