બિયારણ ખાતર મજુરી સહિત લાખોનો ખર્ચ હવે છેલ્લી ઘડીએ પાક બળી જતા જીપીસીબીમાં કરી રજૂઆત
મોરબી તાલુકાના સોખડા ગામ પાસે આવેલી ફેક્ટરીમાંથી દિવસ રાત ધૂળ અને કેમિકલ યુક્ત ધુમાડા નીકળતા હોય છે જેના કારણે ફેક્ટરી પાસે આસપાસ કારખાનાના પ્રદૂષણયુક્ત ધુમાડાના કારણે 40 વીઘા વિસ્તારમાં જીરું પાક બળી ગયો હતો આ મુદે ખેડૂતે જીપીસીબી તેમજ જિલ્લા ખેતીવાડી વિભાગમાં ફરિયાદ કરી હતી જોકે જીપીસીબી તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા તપાસ કરવામાં ન આવતા ખેડૂતોમાં રોષ પ્રસરી ગયો હતો
મોરબી માળિયા નેશનલ હાઈવે પર આવેલા સોખડા ગામે રહેતા ખેડૂત બીજલભાઈ અરજણભાઈ ખાંભરાએ જિલ્લા કલેકટર સહિત રાજ્યના મુખ્યમંત્રીથી લઈ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ખેતીવાડી વિભાગ સહિતનાઓને લેખિત ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, તેમની સોખડા ગામે આવેલી ખેતીની જમીનમાં અગાઉ જીરૂનું વાવેતર કર્યું હતું અને તેઓએ 40 વીઘા જમીનમાં જીરુંનું વાવેતર કરીને આ પાકનું પોતાના જીવની જેમ જતન કરતા હોય આ જીરુંના પાકથી સારી કમાણી થવાની મોટી આશા હતી. જીરુનો પાક એકદમ સરસ રીતે તૈયાર થઈ જતા આ ખેડૂત પાકને લણવાનો વિચાર કરતા હોય ત્યારે તેમના ખેતરના સીમાડે જ આવેલ કેમિકલ ફેક્ટરીમાંથી સતત નીકળતા ઝેરી ધુંમાડાનું આ જીરુંના પાક ઉપર ગ્રહણ લગાવતા ખેડૂતના સારો પાક મેળવવાના અરમાનો પર પાણી ફરી વળ્યું હતું અને ફેકટરીના ઝેરી પ્રદુષણે ખેતરમાં વાવેલો તમામ જીરાનો પાક બળી જતા મોઢે આવેલ કોળિયો છીનવાઈ જવાથી આ ખેડૂત મુશ્કેલીમાં મુકાય ગયા હતા. આથી તેઓએ પોતાના જીરુંના પાકનો સત્યાનાશ કરનાર જવાબદારી ફેકટરીના માલિકો સામે કડક કાર્યવાહી અને તેમને ખેતીમાં થયેલા નુક્શાનનું યોગ્ય વળતર ચુકવવાની માંગ કરી છે. હવે આ ગંભીર બાબતમાં સ્થાનિક પ્રદુષણ બોર્ડ એ જવાબદારો સામે કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું
અમને ફરિયાદ મળી છે સ્થળ તપાસણી બાદ ખ્યાલ આવશે
સોખડા ગામમાં ફેકટરીના પ્રદુષણથી જીરું પાકને નુકશાનની ફરિયાદ મળી છે અને તેની સ્થળ તપાસણી માટે સ્ટાફને સુચના આપી દેવામાં આવી છે સ્થળ તપાસણી માટે ટીમ મોકલાવામાં આવશે અને જરૂર પડે સ્થળ પરથી સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલવામાં આવશે અને તેના આધારે સાચી માહિતી સામે આવી શકશે તેમ જીપીસીબી ના ઇન્ચાર્જ અધિકારી મહેન્દ્ર સોનીએ જણાવ્યું હતું

