હળવદ તાલુકામાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં બેફામ રેતીચોરીનો વેપલો ચાલી રહ્યો છે. અને સમયાંતરે સ્થાનિક પોલીસ, એલસીબી કે એસએમસી દ્વારા દરોડો કરીને રેતમાફિયાઓ સામે કાર્યવાહી કરતા હોય છે. પરંતુ રેતમાફિયાઓ દ્વારા તંત્રની આંખમાં ધૂળ નાખીને રાત્રી તેમજ દિવસના ટ્રેક્ટર તેમજ લોડરથી રેતીચોરી કરીને મયુરનગર અને મિયાણી બન્ને તરફથી રેતીચોરી કરીને સટ્ટાઓ કરી દેવામાં આવ્યા છે. ત્યારે દિવસ-રાત થતી રેતીચોરીને અટકાવવા અગાઉ પણ ચાડધ્રા સરપંચ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. પરંતુ રેતીચોરી અટકવાનું નામ નહીં લેતા આખરે સરપંચ પતિએ ત્રાગુ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. વધુમાં સરપંચ પતિ જગદીશભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, રેતીચોરી અટકાવવા માટે અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં પણ તંત્ર કામગીરી કરતું નથી. સાથે ખાણ ખનીજ વિભાગના અધિકારીને અવાર નવાર ફોન કરવા છતાં ફોન ઉપાડતા જ નથી. જેથી કરીને રેતીચોરી કરતા રેતમાફિયાને રેતીચોરી કરવા માટે મોકળું મેદાન મળી ગયું છે. બીજી તરફ એસએમસી દ્વારા રેડ કરીને વાહનો તેમજ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેઓ હજુ સુધી છૂટ્યા નથી પરંતુ ખાણખનીજ વિભાગ કે એલસીબી રેડ કરીને જ્યારે ખાણખનીજ વિભાગને વાહનો સોંપે છે ત્યારે ગણતરીના કલાકોમાં જ વાહનો મુક્ત થઈ જતા હોય છે. ત્યારે આવી ભેદભાવ વાળી કામગીરી અટકાવી અને યોગ્ય પગલા લેવા માટે ચાડધ્રા ગામના સરપંચ સજનબા જગદીશભાઈ ગઢવીએ અગાઉ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. અને ફરી એકવખત રેતીચોરી અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સરપંચ પતિ જગદીશભાઈ ગઢવીએ નદીમાં જ ત્રાગુ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

