મોરબી શહેરની વૈભવ સોસાયટીમાં આવેલ વૈભવ એપાર્ટમેન્ટના પાંચમાં માળે રહેતા કમલેશભાઈ હુલાણી તેમના પત્ની અને બાળકો સાથે અમરેલીના દામનગર ખાતે ધાર્મિક પ્રસંગમાં ગયા હતા. આ દરમિયાન તેમના ફોનમાં તેમના એપાર્ટમેન્ટ રહેતાં મનસુખભાઈ અઘારાએ જણાવ્યુ હતું કે બિલ્ડીંગમાં કામ કરતા ચોકીદાર અને તેના પરિવારના સભ્યો હાજર નથી અને જોર તેમની પાસે કામ કરવાના રૂપિયા માંગે તો રૂપિયા આપતા નહિ તેવું જણાવ્યું હતું.
મનુસુખ ભાઈના ફોન આવ્યા બાદ કમલેશભાઈએ તેમના પાડોશીને ફોનમાં ફ્લેટ જોવાનું કહેતા દરવાજા ખુલ્લા હતા અને પંખો ચાલુ હતો જેથી તેઓએ નાના ભાઈ કલ્પેશભાઈ અને સાળા જગદીશભાઈ બાવરવાને ફોન કરી ફ્લેટમાં ચોરી થયાનો શક હોવાથી ફ્લેટ પર જવા અને તપાસ કરવા કહ્યું હતું અને એ ડીવીઝન પોલીસ મથકમાં પણ જાણ કરી હતી જે બાદ મોરબી એલસીબી અને એ ડિવિઝન ની ટીમ દ્વારા તપાસ કરતા ફ્લેટમાં સામાન વેરવિખેર જોવા મળ્યો હતો અને ઘરમાં ચોરી થયાનું ખુલ્યું હતું.
જે બાદ ચોરી થયેલા મુદ્દામાલની તપાસ કરતા કંપનીના કર્મચારીને પગાર આપવા માટે રૂ ૮ લાખ રોકડ ઘરમાં રાખેલ હતા તે આ ઉપરાંત તિજોરીમાં રહેલા રૂ ૪.૫૦ લાખ રોકડા તેમજ ઘરમાં કબાટમાં રાખેલ સોના ચાંદીના દાગીના જેમાં મંગલસૂત્ર વજન ત્રીસ ગ્રામ કિંત રૂ ૧૮,૦૦૦, સોનાની બુટી કીમત રૂ ૬૦૦૦, સોનાના ચેન કીમત રૂ ૯૦૦૦, સોનાની નાની બુટી કીમત રૂ ૯૦૦૦ અને ચાંદીનો લોટો, ચાંદીના સિક્કા નંગ ૦૫, ખોટા હાર નંગ ૩, ઘડિયાળ નંગ ૮ મળીને કુલ રૂ ૧૩,૨૪,૦૦૦ ની કિમતનો મુદામાલ ચોરી કરી ગયા છે. આરોપીઓ ફલેટના બાથરૂમની બારીના કાચ દૂર કરી ત્યાંથી રૂમમાં ઘૂસ્યા હોવાનુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
બીજી તરફ તેમના એપાર્ટમેન્ટનો ચોકીદાર રાજેશ તેની પત્ની સરિતા રાજેશ તેમજ ભેરુ ઉર્ફે ભરત વિશ્વકર્મા પણ ફરાર હોવાથી ત્રણેય સાથે મળી ચોરી કરી હોવાની શક્યતા આધારે પોલીસે ત્રણેય વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોધી તેમની શોધખોળ હાથ ધરી હતી

