રાજ્યમાં છેલ્લા એક મહિના દરમિયાન અલગ અલગ સમયે 4 થી વધુ સમય કમોસમી વરસાદ પડ્યા બાદ ફરી એકવાર વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર સર્જાઈ છે અને તેના કારણે ફરી એકવાર કમોસમી વરસાદ વરસી શકે છે ત્યારે હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા. ૫/૦૪/૨૦૨૩ થી ૭/૦૪/૨૦૨૩ના રોજ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ પવન અને ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેથી આ વરસાદ પૂર્વે ખેડૂતોને તેમજ યાર્ડના વેપારી માટે તકેદારીનાં પગલા લેવા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે
આ માર્ગદર્શિકા અનુસાર કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો તથા ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામ સેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર: ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિક્રમસિંહ ચૌહાણની યાદીમાં જણાવાયું છે

