કોરોનાની ચોથી લહેર પૂર્ણ થયા બાદ તેમજ બુસ્ટર ડોઝની ઝુંબેશ બાદ છેલ્લા કેટલાક મહિનાથી નવા કેસ નિયંત્રણમાં હતા જોકે દેશમાં હવે H3N2 સીઝનલ બીમારીએ માથું ઉચક્યું છે અને આ વખતે આ કેસ જોખમી સાબિત થઇ રહ્યા છે. કારણ કે દેશમાં પ્રથમવાર H3N2 સિઝનલ એન્ફ્લુએન્ઝાથી બે દર્દીના મોત નિપજ્યાં છે. મૃતકોમાં કર્ણાટકના હસન જિલ્લાના 82 વર્ષીય વૃદ્ધ અને હરિયાણાના જિંદની 56 વર્ષીય વ્યક્તિનો સમાવેશ થાય છે. બન્ને દર્દીને અન્ય બીમારીઓ પણ હતી. દેશમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં H3N2ના 3038 કેસ આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે માર્ચના અંત સુધીમાં H3N2 ફ્લુના સંક્રમણના કેસમાં ઘટાડો થવાની સંભાવના છે.
દરમિયાન નીતિ આયોગે શનિવારે H3N2ને લઈને વિવિધ મંત્રાલયોની બેઠક બોલાવી હતી. યુએસ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના જણાવ્યા પ્રમાણે H3N2 એ ડુક્કરમાંથી માણસમાં ફેલાયેલો વાયરસ છે. H3N2ને કારણે કોરોનાની જેમ વેવ સર્જાશે કે નહીં એવા સવાલના જવાબમાં કોવિડ પલ્મોનોલોજીસ્ટ અનુરાગ અગ્રવાલે જણાવ્યું હતું કે આવી કોઈ શક્યતા નથી. અત્યાર સુધી માત્ર 5 ટકા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી છે. અપોલો હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ તરુણ સહાનીએ કહ્યું હતું કે H3N2ને લઈને ચિંતાતુર થવાની જરૂર નથી. પણ કોવિડ વખતે જે પ્રકારની સાવધાનીઓ રાખવામાં આવતી હતી તેનું પાલન કરવું જોઈએ.
કેન્દ્ર સરકાર દ્વારા સિઝનલ ફ્લુ અંગે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો માટે ગાઇડલાઇન જારી કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે ભારતમાં જાન્યુઆરીથી માર્ચ અને ચોમાસા બાદ એમ બે સિઝનમાં ફ્લુનો વાવર હોય છે. ફ્લુના વાવરમાં માર્ચના અંત સુધીમાં ઘટાડો થવાની શક્યતા છે. રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોએ દર્દીઓના વર્ગીકરણ, સારવાર પ્રોટોકોલ અને વેન્ટિલેટર માટેની વ્યવસ્થા કરવાની રહેશે. સાથે જ આ ફ્લુને લગતી કામગીરીમાં સંકળાયેલા કર્મચારીઓનું પૂરતું વેક્સિનેશન કરવામાં આવે.
બચાવ માટે હજુ પણ માસ્ક જ અસરકારકH3N2 ફ્લૂને હોંગકોંગ વાઈરસ પણ કહેવામાં આવે છે. તેના કારણે દર્દીને હોસ્પિટલમાં દાખલ થવું પડે એવી શક્યતા માત્ર 7 ટકા હોય છે. છતાં પણ આ વાઈરસને હળવાશથી લેવા જેવો નથી.
H3N2 વાઈરસના લક્ષણ શું છે?
આ એન્ફ્લુએન્ઝા વાઈરસ છે. જે શ્વાસમાં સંક્રમણ પેદા કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા પ્રમાણે H3N2 એ એન્ફ્લુએન્ઝા-એનો સબ-ટાઇપ છે. એન્ફ્લુએન્ઝા વાઈરસ આખું વર્ષ હવામાં ફેલાતો રહે છે પણ હવામાનમાં સતત થતા ફેરફારના કારણે તેની તીવ્રતામાં વધારો થાય છે. H3N2ના સંક્રમણને કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી સૌથી પહેલું લક્ષણ છે. સાથે જ ઉધરસ, શરદી, તાવ, ડાયેરિયા, ઊલટી અને શરીરમાં પીડા જેવા લક્ષણો પણ સામેલ છે.
આ વાઈરસનો ફેલાવો કેમ વધ્યો?
હાલ પોસ્ટ-કોરોનાનો સમયગાળો છે. હજુપણ દેશમાં કોરોનાના ત્રણ હજારથી વધારે એક્ટિવ કેસ છે. H3N2 સંક્રમણમાં વધારાના બે મોટા કારણ છે. પહેલું – કોરોનાને લીધે લોકોમાં ઇમ્યુનિટી નબળી થઈને અસંતુલિત બની છે. બીજું, H3N2 વાઈરસ મ્યુટેટ થયો છે. એટલે કે તેણે પોતાનું સ્વરૂપ બદલ્યું છે. વાઈરસમાં આ પરિવર્તનને કારણે સંક્રમણમાં વધારો થયો છે.
શું આ કોરોના કરતા વધુ ઘાતક છે?
આમ તો એમ પણ કહેવામાં આવે છે કે H3N2 કોરોના કરતા ઓછો ઘાતક છે. પણ ભારતમાં હાલ ચાર મુખ્ય વાયરસ સક્રિય છે – કોરોના, H1N1, H3N2 અને એડીનોવાયરસ. વાયરસને હળવાશથી લેવા જેવો નથી. હાલમાં જ થયેલા સંશોધન અનુસાર આ વખતે H3N2ની તીવ્રતા અગાઉ કરતા ચાર ગણી વધારે છે.
H3N2થી બચવા શું કરવું જોઈએ?
કોરોના ગાઇડલાઇનનું કડકાઈથી પાલન કરવું જોઈએ. માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન સૌથી અસરકારક પદ્ધતિ છે. આ ચેપી રોગ છે તેથી ભીડવાળી જગ્યાઓ ટાળવી જોઈએ. શરદી-ખાંસી લાંબા સમયથી હોય તો ડૉક્ટરને મળી લેવું જોઈએ. H3N2 ફ્લુની હજુ કોઈ રસી નથી. તેની સારવારમાં એન્ટી વાયરલ દવાઓનો ઉપયોગ થાય છે. આઇએમએના અનુસાર H3N2માં ડૉક્ટરોને એન્ટિ બાયોટીક દવાઓનો ઉપયોગ નહીં કરવાની સલાહ આપવામાં આવી છે.
આ વાયરસથી સૌથી વધુ ખતરો કોને છે?
H3N2 વાયરસથી સૌથી વધુ ખતરો બાળકો અને વૃદ્ધોને છે. સાથે જ અન્ય બીમારીઓથી પીડિત લોકો પણ સંક્રમિત થઈ શકે છે. 60થી વધુ વર્ષની વ્યક્તિને જો લાંબો સમય શરદી-ખાંસી હોય તો તત્કાળ ડૉક્ટરને બતાવવું જોઈએ. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચૂકેલા લોકો, ટીબી અને કેન્સરના રોગીએ H3N2થી સાવધ રહેવું જોઈએ. તથા સમયસર સારવાર શરૂ કરી દેવી જોઈએ.

