વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેની અસર આજે અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. અમરેલી જિલ્લામાં તો ચોમાસા જેવો માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદ પડતાં શેરીઓમાં નદીઓ જેવાં દૃશ્યો સર્જાયાં હતાં. ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લામાં આવતા ત્રણ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારમાં બપોર બાદ સુખપુર, કાંગસા, ગોવિંદપુર સહિતનાં ગામડામાં વરસાદ છૂટોછવાયો વરસાડ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અહીં કેસર કેરીનો ગઢ ગણાતા ધારી વિસ્તારમાં કેરી સહિત ચણા, ઘઉં અને ધાણા સહિતના તૈયાર પાકોમાં નુકસાન જવાની ભીતિ ધરતીપુત્રોમાં જોવા મળી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેથી અનેક પંથકમાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. જેને લઈ ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ત્યારે અમીરગઢ, ઈકબાલગઢ, ધાનેરા, ડીસા, દિયોદર, કાંકરેજ અને લાખણી સહીતના પંથકમાં માવઠું થયું હતું. સતત બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે સૌરાષ્ટ્ર ભરમાં પવન ફૂકાયો હતો વહેલી સવારથી તેજ ગતિએ ફુંકાયેલા પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડતા નજરે પડી હતી.જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી હતી બીજી તરફ પ્રવાસી સ્થળ એવા ગિરનારમાં પણ રોપવે બંધ કરવાની ફરજ પડી હતી.

