દેશભરમાં સતત એર ટ્રાન્સપોર્ટ વધી રહ્યું છે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા હવે મુસાફરો ટ્રેનના બદલે વિમાનને પ્રથામિકતા આપી રહ્યા છે જેમ જેમ એર ટ્રાન્સપોર્ટશન વધી રહ્યું છે તેમ તેમ નાના મોટા અક્સ્માતના બનાવ પણ સામે આવી રહ્યા છે ક્યારેક ચાલુ ફ્લાઈટમાં એન્જીન ફેલ થવા ,બર્ડ હીટ કે અન્ય ટેકનીકલ ફોલ્ટથી ઈમરજન્સી લેન્ડીંગ જેવી ઘટના અવાર નવાર બનાતા રહે છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર એક મહિનામાં બીજી બર્ડહિટની ગંભીર ઘટના બની છે. ઈન્ડિગોની વારાણસીથી અમદાવાદ આવતી ફલાઇટને લેન્ડિંગ વખતે સાબરમતી રિવરફ્રન્ટ પર 1200 ફૂટ પર બર્ડહિટ થતા આગળના નોઝનો ભાગ તોડી નાખ્યો હતો. જેના કારણે ફલાઇટમાં સવાર 173 મુસાફરોના રીતસરના જીવ તાળવે ચોંટ્યા હતા. કેપ્ટને તાકીદે એટીસીને બર્ડહિટનો મેસેજ આપતા સુરક્ષિત લેન્ડ કરાવતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાને લઇ ડીજીસીએ તપાસ હાથ ધરી છે. અમદાવાદ એરપોર્ટ પર 3.47 કલાકે ઇન્ડિગોની ફલાઈટ લેન્ડિંગ માટે ફાઇનલ એપ્રોચ કરતી વખતે રિવરફ્રન્ટ પર પક્ષી ટકરાતા આગળના નોઝના ભાગે અવાજ આવ્યો હતો. કેપ્ટને ફલાઇટમાં બર્ડહિટનું એનાઉન્સમેન્ટ કરતા મુસાફરોમાં કચવાટ પણ શરૂ થઇ ગયો હતો. આમ રિવરફ્રન્ટ પર પક્ષીઓના ટોળાં વધુ હોવાનું આજે થયેલા બર્ડહિટમાં પુરવાર થઇ ગયું હતું. ફલાઈટને પાર્કિંગમાં લઇ જઇ મુસાફરોને નીચે ઉતારી ટેક્નિશિયનોએ ચેક કરતા આગળનો નોઝનો ભાગ ફાડી નાખ્યો હતો. વિમાન ઉડાન ભરી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી ગ્રાઉન્ડ કરી દેવાયું હતું. અમદાવાદ એરપોર્ટ પર એક મહિનામાં બર્ડહિટની આ બીજી ઘટના બની છે. જ્યારે છેલ્લા પાંચ મહિનામાં બર્ડહિટની ત્રણ ઘટના બની છે. ઓગસ્ટમાં ગો-ફર્સ્ટની અમદાવાદ-ચંદીગઢ, ઓક્ટોબરમાં અકાશાની અમદાવાદ-દિલ્હી, ડિસેમ્બરમાં ઈન્ડિગોની વારાણસી-અમદાવાદ ફ્લાઈટને બર્ડહિટ થયું હતું.
બર્ડહિટ થયેલું વિમાન ગ્રાઉન્ડ કરી દેવાતા દિલ્હીથી સ્પેશિયલ નવો નોઝનો પાર્ટસ મગાવી ફિટ કરવાનું શરૂ કરાયું હતું. અમદાવાદથી વારાણસી જતા 170 મુસાફરોને એરલાઇન કંપનીએ બીજા રૂટની ફલાઇટ એડજસ્ટ કરી દોઢ કલાક બાદ રવાના કર્યા હતા. આમ અમદાવાદથી ઇન્ડિગોની ગોવાની ફલાઇટ દોઢ કલાક મોડી પડી હતી.

