ચોરી તો આખી દુનિયામાં થાય પણ ભારતમાં થયેલી એક ચોરીએ આખા જગતને ચકિત કરી દીધું છે. ભારતમાં ચોરોની ટુકડી આવીને આખુ રેલવે એન્જીન ચોરી ગઈ છે. બિહારના બેગુસરાઈ સ્ટેશન પર આ ઘટના બની હતી. રેલવે એન્જીન ચોરી કરવા માટે ચોરોએ ત્યાં ટનલ ખોદી હતી. એ પછી રોજ રોજ એન્જીનના થોડા થોડા સ્પેરપાર્ટ્સ નોખા કરીને તેને ટનલમાંથી બહાર લઈ જવાયા હતા.
એન્જીનનું વજન ટનબંધ હોય છે અને તેમાં લોખંડ સહિત અનેક કિંમતી ધાતુ વપરાઈ હોય છે. એ ધાતુ વેચીને રોકડી કરવાનો ચોરોનો પ્લાન હતો.
આ એન્જીન અહીં રિપેરિંગ માટે આવ્યુ હતું. રેલવેના સરકારી તંત્રએ બેદરકારી રાખી એમાં એન્જીનનો ઘણો ભાગ ગુમ થઈ ગયો હતો.
એ પછી હવે પોલીસે 3 ચોરને પકડી પણ લીધા છે.
પોલીસના જણાવ્યા અનુસાર ગત સપ્તાહે એક ટોળકીએ બરૌની (બેગૂસરાય જિલ્લો)ના ગરહારા યાર્ડમાં સમારકામ માટે લવાયેલી ટ્રેનનું આખે આખું ડીઝલ એન્જિન ચોરી લીધું હતું. આ ટોળકીએ એક સમયે એન્જીનના કેટલાક પાર્ટોની ચોરી કરીને આ હાંસલ કર્યું હતું. પ્રથમ તપાસ દરમિયાન જ્યારે પોલીસે 3 લોકોની અટકાયત કરી અને તેમની પૂછપરછના આધારે પોલીસે મુઝફ્ફરપુરમાં પ્રભાત કોલોનીમાં આવેલ ભંગારના ગોડાઉનમાંથી એન્જિનના પાર્ટોની 13 બોરીઓ જપ્ત કરી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આશ્ચર્યની વાત એ છે કે, અમને યાર્ડ નજીક એક સુરંગ મળી આવી હતી. આ સુરંગના દ્વારા ચોર અંદર પ્રવેશતા હતા અને એન્જિનના પાર્ટ્સની ચોરી કરતા હતા. અને ચોરો આ પાર્ટ્સને બોરીમાં ભરીને લઈ જતા હતા. જોકે આટલી મોટી ઘટના છતાં રેલવે અધિકારીઓ સાવ અજાણ હતા.
અગાઉ પૂર્ણિયામાં પણ રેલવે એન્જિનની થઈ હતી ચોરી
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં લોકલ રેલવે સ્ટેશન પર પ્રદર્શન માટે મૂકાયેલા વિન્ટેજ મીટર ગેટ સ્ટીમ એન્જિનની ચોરી થઈ હતી અને ચોરોએ આ એન્જિનને વેંચી દીધું હતું. પોલીસે તપાસ કરી ત્યારે ખુલાસો થયો કે, એક રેલવે એન્જિનિયરે સમસ્તીપુર ડિવીઝનલ મિકેનિકલ એન્જિનિયરના નામે એક બનાવટી પત્ર બનાવ્યો હતો અને આ પત્રના આધારે ક્લાસિક સ્ટીમ એન્જિનને વેચી દીધું હતું.

