આસામ-મેઘાલય સરહદે લાકડાની દાણચોરી બંધ કરવામાં આવતા મંગળવારે વહેલી સવારે હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં ફોરેસ્ટ ગાર્ડ સહિત છ લોકોના મોત થયા હતા. આસામ-મેઘાલય સરહદે ગેરકાયદે લાકડા વહન કરતી ટ્રકને પોલીસે અટકાવ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. સાવચેતીના પગલારૂપે 7 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
પશ્ચિમ કાર્બી આંગલોંગના પોલીસ અધિક્ષક ઈમદાદ અલીએ આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે આસામ વન વિભાગે મેઘાલય બોર્ડર પર ટ્રકને રોકી હતી. ટ્રક ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેને રોકવા ફોરેસ્ટ ગાર્ડે ગોળીબાર કર્યો હતો. અધિકારીએ વધુમાં જણાવ્યું કે ફાયરિંગમાં ટ્રકનું ટાયર પંચર થઈ ગયું હતું. ફોરેસ્ટ ગાર્ડે ટ્રક ચાલક સહિત ત્રણ લોકોને પકડી લીધા હતા, જોકે અન્ય ભાગી જવામાં સફળ રહ્યા હતા.
અધિકારીએ કહ્યું કે, આ ઘટનાની જાણકારી નજીકના પોલીસ સ્ટેશનને આપવામાં આવી હતી અને વધારાના પોલીસ ફોર્સની માગ કરવામાં આવી હતી. સવારે પાંચ વાગ્યે પોલીસ આવતાની સાથે જ કેટલાક સ્થાનિક લોકો હાથમાં હથિયાર લઈને ત્યાં પહોંચ્યા હતા. ટોળાએ ફોરેસ્ટ ગાર્ડ અને પોલીસને ઘેરીને તસ્કરોને છોડાવવાની માગ કરી હતી. બચાવમાં ભીડ પર ગોળીબાર કરવો પડ્યો હતો.
ફાયરિંગમાં ફોરેસ્ટ ગાર્ડનું મોત થયું હતું. તે સિવાય મેઘાલયના પાંચ લોકોના પણ મોત થયા છે. હિંસામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફોરેસ્ટ ગાર્ડના મોતનું કારણ જાણી શકાયું નથી. ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

